વિજયભાઈ રૂપાણીના અવસાનના ચાર મહિના નિમિત્તે માનવસેવા જ્યોત અખંડ રાખવાનો સંકલ્પ; 230થી વધુ દર્દીઓએ લાભ લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના નિધનને બરાબર ચાર મહિના પૂર્ણ થવાના અવસરે તેમણે પ્રગટાવેલ માનવસેવાની જ્યોતને અખંડ રાખવાના ઉદ્દેશ્યથી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ, વિજયભાઈ રૂપાણી મેમોરિયલ અને રોટરી ક્લબ ઓફ રાજકોટના સંયુક્ત ઉપક્રમે અમુક ખાસ રોગોના નિદાન માટેનો વિનામૂલ્યે મેડિકલ કેમ્પ યોજાઈ ગયો.
- Advertisement -
આ કેમ્પમાં 230થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો અને શહેરના 11થી વધુ નામાંકિત ડોક્ટરોએ નિ:શુલ્ક સેવા આપીને દર્દીઓને તપાસી નિદાન કર્યું હતું. સેવા આપનાર ડોક્ટરોમાં એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડો. તપન પારેખ, ઊગઝ નિષ્ણાતો ડો. જતીન મોદી, ડો. નીરવ મોદી, ડો. વૈભવ હાપલીયા, ગાયનેક ડો. પ્રતીક્ષા દેસાઈ, એમ.ડી. ફિઝિશિયન ડો. રિદ્ધિ મહેતા, અને દંતરોગ નિષ્ણાતો ડો. બિદન શાહ, ડો. સેજલ શાહ, ડો. જીનીશાબા સોઢા, ડો. રચના સુરાણી, ડો. બંસી કારીયા વગેરેનો સમાવેશ થાય છે. નિદાન કેમ્પના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા ઉપરાંત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ડો. જયેશભાઈ ડોબરીયા (ઈંખઅ, રાજકોટના પ્રમુખ): તેમણે કેમ્પના ઉદ્ઘાટક તરીકે જણાવ્યું હતું કે ડોક્ટર માટે “દર્દી દેવો ભવ:”નો ભાવ હોય છે, અને વિજયભાઈએ કંડારેલ સેવાકાર્યોની કેડી પર ટ્રસ્ટ આજે પણ અવિરત સેવાઓ ચાલુ રાખી છે તે દિલથી વધાવવા યોગ્ય છે.
ડો. પ્રકાશ મોઢા: તેમણે જણાવ્યું હતું કે ચિંતિત ચહેરે આવેલ દર્દી હસતા હસતા પરત જાય તે જ ડોક્ટર માટે મોટી મૂડી છે. ટ્રસ્ટ દ્વારા આર્થિક રીતે નબળા દર્દીઓને ટોકનદરે દવા અને નામાંકિત ડોક્ટરો પાસે ક્ધસલ્ટિંગ કરાવી આપવાની સરાહનીય પ્રવૃત્તિને તેમણે બિરદાવી હતી.
ટ્રસ્ટની તબીબી કમિટીના ડો. જૈમનભાઈ ઉપાધ્યાયે માહિતી આપી હતી કે મેડિકલ સેન્ટરમાં દર્દીઓને માત્ર ₹10ના ટોકનદરે દવા આપવામાં આવે છે. એટલું જ નહીં, લોહી, પેશાબ અને એક્સ-રેની તપાસ પણ ટોકનદરે કરી આપવામાં આવે છે. તેમણે વિજયભાઈની ઉદારતા યાદ કરતા જણાવ્યું કે તેઓ ક્યારેય દવા કે ક્ધસલ્ટિંગ ચાર્જમાં વધારો કરવા દેતા નહોતા અને કહેતા કે ગમે તેટલી ખોટ પડશે, ટ્રસ્ટ ભોગવી લેશે. ટ્રસ્ટી ડો. મેહુલભાઈ રૂપાણી, વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ અને મેડિકલ કમિટીના ડો. નયનભાઈ શાહ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહનું સંચાલન હસુભાઈ ગણાત્રાએ કર્યું હતું, જ્યારે આભારવિધિ તબીબી કમિટીના સભ્ય શૈલેષભાઈ લોઢીયાએ કરી હતી.
- Advertisement -
કેમ્પને સફળ બનાવવા માટે ટ્રસ્ટી અંજલીબેન રૂપાણી અને ડો. મેહુલભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
વધુ માહિતી માટે પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો ફોન નંબર 0281-2704545 દ્વારા સંપર્ક કરી શકાય છે.