IPS અધિકારી અને એડીજીપી વાય.પૂરણ કુમારના પરિવારને સાંત્વના પાઠવી
ન્યાય માટે આયોગની તાત્કાલિક કાર્યવાહી અંગે આપી ખાતરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
હરિયાણાના વરિષ્ઠ IPS અધિકારી અને એડીજીપી વાય. પૂરણ કુમારના આત્મહત્યાના કેસે સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી છે. અધિકારીઓની જાતિવાદી માનસિકતા અને સતત થયેલા અન્યાયથી પીડાયેલા પૂરણ કુમારે જીવલેણ પગલું ભર્યું હોવાનું તેમની સુસાઇડ નોટમાં સ્પષ્ટ લખ્યું છે. આ ઘટનાએ પોલીસ તંત્ર તેમજ રાજ્યના વહીવટી તંત્રની સંવેદનહીનતા પર સવાલો ઊભા કર્યા છે. આ ઘટનાને પગલે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણા ચંદીગઢ પહોંચ્યા હતા, જ્યાં તેમણે વાય. પૂરણ કુમારના પરિવારજનોને મળીને શોક સંવેદના વ્યક્ત કરી. પરિવારના દુ:ખમાં સહભાગી બનીને ન્યાય સુનિશ્ચિત કરવા માટે આયોગ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી વિશે માહિતી આપી. તેમણે જણાવ્યું કે આયોગ આ મામલે ગંભીર છે અને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવા માટે રાજ્ય તેમજ કેન્દ્ર સ્તરે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમજ સ્પષ્ટ કર્યું કે કોઈપણ અધિકારી કે કર્મચારી પોતાની જાતિ અથવા પૃષ્ઠભૂમિના કારણે ભેદભાવનો ભોગ ન બને તે આયોગની પ્રથમ પ્રાથમિકતા છે. તેમણે જણાવ્યું કે આ કેસ માત્ર એક વ્યક્તિની લડત નથી, પરંતુ એ સમગ્ર તંત્રમાં રહેલી માનસિકતાને બદલી નાખવાની લડત છે. આ મુલાકાત બાદ આયોગ દ્વારા હરિયાણા સરકાર અને પોલીસ વિભાગને તાત્કાલિક રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પૂરણ કુમારના પરિવારજનોને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે આયોગ સતત દેખરેખ રાખશે, એવું પણ અંતમાં જણાવ્યું હતું.



