નેનોસ્ટ્રક્ચર્સના આકાર અને કદનું એન્જિનિયરિંગ વિષયક ટેકનિકલ વ્યાખ્યાન આપતા વૈજ્ઞાનિક ડૉક્ટર અવસ્થી
પ્રાચીન મંદિરો અદભુત હતા તેની રચના માત્ર ધાર્મિક નહીં પરંતુ વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત હતી: ડો. અંબુજ ત્રિપાઠી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને IUAC ન્યૂ દિલ્હી સંયુક્ત ઉપક્રમે આયોજિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ઈંઈગઈંઇ-2025નાં બીજા દિવસે પણ આયન બીમ સંશોધન ક્ષેત્રે વૈજ્ઞાનિક ચર્ચા અને જ્ઞાનવિનિમયનું સક્રિય માહોલ સર્જાયું. તજજ્ઞોનાં વ્યાખ્યાનો, ઓરલ પ્રેઝન્ટેશન તથા પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધાઓ આગળ વધી હતી.
આ સેમિનારમાં દેશ વિદેશથી પધારેલા 200થી વધુ વૈજ્ઞાનિકો સાથે રાજકોટ શહેરના મહાનુભાવો સાથે ગોષ્ઠી યોજાઈ જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ઉત્પલ જોશી, શ્યામા રાથ, મેમ્બર સેક્રેટરી એઆઇસીટીઈ, નવી દિલ્હી અને યુનિવર્સિટીના અધિકારીઓ ઉપસ્થિત રહેલ હતા.
પ્રથમ સત્રમાં પ્રો. ડી. કે. અવસ્થી (ઞઙઊજ દેહરાદૂન)એ એનર્જેટિક આયન્સ દ્વારા મેટ્રિક્સમાં એમ્બેડ થયેલ નેનોસ્ટ્રક્ચર્સનાં આકાર અને કદનું એન્જિનિયરિંગ વિષય પર વ્યાખ્યાન આપ્યું. ત્યારબાદ પ્રો. શિન-ઇચિરો સાતો (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ક્વાન્ટમ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, તાકાસાકી, જાપાન)એ ગેલિયમ નાઇટ્રાઇડ નેનો સ્ટ્રક્ચર્સમાં લાન્થનોઇડ આયન્સ ઇમ્પ્લાન્ટેશનથી પ્રકાશોત્સર્જનની વૃદ્ધિ વિષય પર વ્યાખ્યાન આપ્યું. બીજા સત્રમાં પ્રો. શ્યામા રાઠ (દિલ્હી યુનિવર્સિટી તથા એઆઇસિટીઇ, ન્યૂ દિલ્હી)એ સિલિકોન કાર્બાઇડમાં આયન ઇરેડિએશનથી સર્જાતા સિલિકોન અને નાઇટ્રોજન વેકેન્સી કોમ્પ્લેક્સ પોઇન્ટ ડિફેક્ટ્સના ફોટોલ્યુમિનેસન્સ અભ્યાસ વિષય પર પ્રવચન આપ્યું. ત્રીજા સત્રમાં ડો. લાર્સ બ્રોયર (યુનિવર્સિટી ઓફ ડ્યુઇસબર્ગ-એસન, જર્મની)એ ટાઈમ રિઝોલ્વ્ડ આયન-ઇન્ડ્યુસ્ડ ફોટોઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી: સિંગલ આયન ઈમ્પેક્ટ્સમાંથી અલ્ટ્રાફાસ્ટ ઇલેક્ટ્રોન હીટિંગ વિષય પર વ્યાખ્યાન આપ્યું.
સાંજના સત્રમાં ડો. અંબુજ ત્રિપાઠી (ઇન્ટર યુનિવર્સિટી એક્સિલરેટર સેન્ટર – આઇયુએસી, ન્યૂ દિલ્હી)એ ભારતીય જ્ઞાન પરંપરાના વૈજ્ઞાનિક પાસાઓ પર પ્રકાશ પાડતાં સમજાવ્યું કે પ્રાચીન ભારતનાં મંદિરોમાં સ્થાપત્યકલા અને વિજ્ઞાનનું અદભૂત સંગમ જોવા મળે છે. તેમણે શરૂઆતમાં દર્શાવ્યું કે પ્રાચીન ભારતનું મંદિર સ્થાપત્ય જ્ઞાન કેટલું અદભુત હતું. દરેક મંદિરની રચના માત્ર ધાર્મિક નહીં પરંતુ વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત હતી. મંદિરના વિવિધ ભાગોનો ચોક્કસ વિભાજન કરવામાં આવતો હતો – જેમ કે દેવતા ક્યાં સ્થાન પર સ્થાપિત થાય, ભક્તો માટે સભા સ્થાન ક્યાં રાખવામાં આવે, અને ધાર્મિક વિધિઓ માટે કયા વિભાગો નિર્ધારિત થાય.



