અથડામણને કારણે અનેક વિસ્ફોટ થયા કારણ કે ગેસ સિલિન્ડરો ફાટવા લાગ્યા, જેના કારણે નજીકના વાહનોને અસર થઈ. જ્વાળાઓ અને વિસ્ફોટો ઘણા કિલોમીટર દૂરથી દૃશ્યમાન અને સાંભળી શકાય તેવા હતા.
રાજસ્થાનના જયપુર અજમેર હાઈવે પર મંગળવારે (7 ઓક્ટોબર) મોડી રાતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મૌજમાબાદ વિસ્તારમાં સાવરદા બ્રિજ નજીક ગેસ સિલિન્ડર લઇ જતી ટ્રકને એક અન્ય વાહને ટક્કર મારી દેતા જોરદાર વિસ્ફોટ થતાં આગ ફેલાઈ હતી.
- Advertisement -
ટક્કર એટલી જોરદાર હતી કે, ટ્રકમાં મૂકેલા 200 સિલિન્ડર બ્લાસ્ટ થયા અને ભયાનક આગ ફેલાઈ ગઈ. આ વિસ્ફોટનો અવાજ અનેક કિલોમીટર દૂર સુધી સંભળાયો અને દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું તેમજ બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
દુર્ઘટનાનું કારણ આવ્યું સામે
મળતી માહિતી મુજબ, ટ્રકમાં 200થી વધુ ગેસ સિલિન્ડર મૂકેલા હતા અને આગ લાગ્યા બાદ આશરે 2 કલાક સુધી સિલિન્ડર ફાટતા રહ્યા. જેના કારણે આસપાસના લોકોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો. જોકે, ઘટનાની જાણ થતા તુરંત ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો.
- Advertisement -
આગ ફેલાતા જ સમગ્ર વિસ્તારમાં અફરા તફરી મચી ગઈ હતી. ત્યારે અનેક વાહનોએ અવરજવર અટકાવી દીધી હતી અને ફાયરબ્રિગેડને તાત્કાલિક ઘટનાની જાણ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર આ દુર્ઘટના સમયે ટ્રકમાં એલપીજી સિલિન્ડર ભરેલા હતા.
ઘટનાસ્થળે પહોંચ્યા ડે.સીએમ
ઘટનાની જાણકારી મળતાં જ નાયબ મુખ્યમંત્રી ડૉ. પ્રેમચંદ બૈરવા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે કહ્યું કે દુર્ઘટનામાં સામેલ વાહનના ડ્રાઈવરની ઓળખ હજુ થઇ શકી નથી. ટ્રકના ડ્રાઈવર તથા કંડક્ટરને હોસ્પિટલમાં ગંભીર હાલતમાં ખસેડવામાં આવ્યા છે. આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને સીએમએ તપાસના આદેશ આપી દીધા છે. હજુ સુધી જાનહાનિના કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી.