સગીરના દાદીએ નોંધાવી ફરિયાદ : તટસ્થ તપાસની ખાતરી આપતા પોલીસ કમિશનર : કોન્સ્ટેબલ સસ્પેન્ડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં છરીથી હુમલો કરવાના કેસમાં પકડાયેલા સગીર આરોપીના હાથેથી વાળ ખેંચી અમાનુષી અત્યાચાર ગુજારવાના ચકચારી કેસમાં અંતે સગીરના દાદીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ પ્રદિપ ડાંગર અને સફાઈ કામદાર શૈલેષ ચૌહાણ ફરિયાદ નોંધાવી છે બંને આરોપીઓ વિરૂધ્ધ બીએનએસની કલમ 115(2), 198, 54 અને જુવેનાઈલ એકટ હેઠળ ફરિયાદ નોંધાવાઈ છે. બીએનએસની કલમ 115(2) અને 198માં એક-એક વર્ષની સજાની જોગવાઈ છે. મહત્વની વાત એ છે કે અગાઉ ફરિયાદીએ જે અરજી કરી હતી તેમાં અન્ય ઉચ્ચ અધિકારીઓના નામ પણ જણાવ્યા હતા તે પૈકી કોઈ સામે ગુનો નોંધવામાં આવ્યો નથી બીજી તરફ પીડિત પરિવાર પોલીસ કમિશ્નરને રૂબરૂ મળતા તેમણે તટસ્થ કાર્યવાહી કરવાની ખાતરી આપી છે બીજી તરફ ગુનો નોંધાતા જ પ્રદીપ ડાંગરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
- Advertisement -
સગીરના વાળ ખેંચી, મારકૂટ કરવાના વાયરલ વિડીયો બાદ પોલીસ સામે લોકો પણ ફિટકાર વરસાવી રહ્યા છે ત્યારે આ સમગ્ર પ્રકરણ અંગે અંતે સગીરના દાદીએ પોલીસમેન પ્રદીપ ડાંગર અને સફાઈ કામદાર શૈલેશ ચૌહાણ સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈ તા.31 ઓગસ્ટના રોજ રૈયા રોડ પરના કનૈયા ચોક પાસે એક યુવક ઉપર છરીથી હુમલો કરાયો હતો. જેમાં તેના પૌત્રની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી ગોંડલ રોડ પરની બાળકોની જેલમાં ધકેલી દીધો હતો બે દિવસ પહેલાં લત્તામાં રહેતા છોકરાઓએ વીડિયો બતાવ્યો હતો જેમાં જોયું તો તેના પૌત્રના વાળ ખેંચી એક શખ્સ બાજુની કચરા ટોપલીમાં નાંખતો હતો જેથી આ બાબતે પૌત્રને પૂછતાં કહ્યું કે ધરપકડ બાદ તેને ગાંધીગ્રામ પોલીસ મથકમાં એક રૂમમાં બેસાડાયો હતો જયાં પકડી માથાના વાળ ખેંચવાનું શરૂ કર્યું હતું એટલું જ નહીં માથામાંથી વાળ ઉખેડી શૈલેષ નામનો શખ્સ ખુરશી પર બેઠો હતો તેને પોતાની બાજુમાં બેસાડી, માથું નજીકની કચરા ટોપલીમાં જાળતો હતો. જયારે કોન્સ્ટેબલ પ્રદિપ ડાંગર આ સમગ્ર ઘટનાનું પોતાના મોબાઈલમાં રેકોર્ડિંગ કરતો હતો.
તેના પૌત્રએ ઘણી આજીજી કરી હતી આમ છતાં તેના માથામાંથી વાળ ઉખેડવાનું બંધ કરાયું ન હતું ફરિયાદ નોંધાવ્યા બાદ પીડિત પરિવાર પોલીસ કમિશ્નરને રૂબરૂ મળ્યો હતો અહીં તેમણે તટસ્થ તપાસ કરવાની અને જે કોઈ પણ પોલીસ તપાસમાં કસૂરવાર સાબિત થશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી જો કે અગાઉ ફરિયાદીએ કરેલી અરજીમાં ઉચ્ચ અધિકારીઓના નામ પણ સામેલ હતા પરંતુ ફરિયાદમાં તેમના નામ નહિ લેવામાં આવતા તર્ક વિતર્ક સર્જાયા છે સમગ્ર ઘટનાની તપાસ હાલ એસીપી રાધિકા ભારાઈ ચલાવી રહ્યા છે.
વિડીયો વાયરલ કોણે અને શા માટે કર્યો ?
તપાસના આમ તો અનેક મુદ્દા છે પરંતુ મહત્વનો મુદ્દો વાયરલ વિડીયોનો છે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પ્રદીપસિંહ ડાંગરે આ વિડ્યો મોબાઈલમાં ઉતાર્યો હતો તો સ્વાભાવિક છે કે તે વિડીયો પોતાના મોબાઈલમાં જ હોય તો પછી આ વિડીયો તેણે વાયરલ કર્યો કે પોતે કોઈને વિશ્વાશ મૂકી આપ્યો હોય અને તેણે વાયરલ કરી નાખ્યો તે મુદ્દો તપાસ માંગી લ્યે તેમ છે.
આ પ્રકરણમાં સહદેવસિંહ જાડેજાની બદલીનું કારણ શું ?
ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ કોન્સ્ટેબલ પ્રદિપ ડાંગર અને સહદેવસિંહ જાડેજાની બદલી કરી દેવાઈ હતી. આ સ્થિતિમાં સહદેવસિંહ જાડેજાનો આ પ્રકરણમાં શું રોલ હતો તે વિશે કોઈ માહિતી જાહેર કરાઈ નથી. જો તે આરોપી ન હતા તો ક્યા કારણથી બદલી કરાઈ તેવા સવાલો પણ ઉઠવા પામ્યો છે.
- Advertisement -