રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વિજયા દશમીના પર્વે આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયના પ્રતિક સ્વરૂપે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉજવવામાં આવતા રાવણ દહનનાં કાર્યક્રમમાં રાજકોટવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રાવણ દહન પૂર્વે પ્રવચન અને મહેમાનોનું સ્વાગત સહિતના કાર્યક્રમો યોજાયા હતા. 30 મિનિટની આતશબાજી બાદ રાજકોટ રેસકોર્સ મેદાનમાં આયોજીત 54 ફૂટ ઊંચા રાવણ તથા કુંભકર્ણ અને મેઘનાદના પુતળાનું દહન કરવામાં આવ્યુ ત્યારે ચારેબાજુ હર્ષોલ્લાસ છવાયો હતો. આ ઉપરાંત વિહિપના ધર્મપ્રસાર કેન્દ્રિય સહમંત્રી ધર્મેન્દ્રભાઇ ભાવાણી મુખ્ય વક્તા તરીકે તથા અનેક સંતો-મહંતો પધાર્યા હતા. આ અવસર પર મેદાનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શસ્ત્ર કુટીર બનાવવામાં આવી હતી. જેમાં દરેક મહેમાનો, સંતો અને જાહેર જનતાએ શસ્ત્ર પૂજન કર્યું હતું. વિહિપના માતૃશક્તિ અને દુર્ગાવાહિની સંગઠન દ્વારા આ આયોજન કરાયું હતું.



