‘વોકલ ફોર લોકલ’ના મંત્રથી બાપુના સ્વદેશી સ્વપ્નને સાકાર કરી ’આત્મનિર્ભર ભારત’ બનાવવાનો મુખ્યમંત્રીનો સંકલ્પ; કીર્તિમંદિર ખાતે QR કોડ સુવિધાનું અનાવરણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહાત્મા ગાંધીની જન્મજયંતી અને અસત્ય પર સત્યના વિજયના પર્વ વિજયાદશમી નિમિત્તે તેમના જન્મસ્થળ પોરબંદરના કીર્તિમંદિર ખાતે પૂજ્ય બાપુને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પ્રાર્થનાસભામાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીએ શ્રદ્ધાસુમન અર્પણ કરતાં જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીએ ખાદી અને સ્વદેશીના સૂતરના તાંતણે આઝાદ ભારત માટેની પીઠિકા ઘડી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સ્વદેશીથી આત્મનિર્ભરતા અને સમૃદ્ધિના મંત્રને ’વોકલ ફોર લોકલ’ દ્વારા આત્મસાત કરીને વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણની પ્રેરણા આપી રહ્યા છે.
મુખ્યમંત્રીએ પૂજ્ય બાપુની દિવ્ય ચેતનાને વંદન કરતા જણાવ્યું હતું કે, ગાંધીજી એક સેવાભાવી સંત, અહિંસાના ઉપાસક અને વિશ્વમાનવ તરીકે સમગ્ર વિશ્વમાં પૂજાય છે. તેમણે અહિંસાને નમ્રતાની પરાકાષ્ઠા ગણાવી હતી. વધુમાં તેમણે કહ્યું કે, પૂજ્ય બાપુએ ગરીબ અને ગામડાના નાગરિકોના ઉત્થાન માટે જે આહલેક જગાવી હતી, તે યાત્રાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુરાજ્યમાં પલટાવી ગરીબ, વંચિત, પીડિત અને શોષિતના કલ્યાણના ધ્યેય સાથે સુશાસન દ્વારા આગળ ધપાવી છે.
પૂજ્ય બાપુના સ્વચ્છતાના વિચારને સાર્થક કરવા વડાપ્રધાનએ જાતે ઝાડૂ લઈને સફાઈને જનઆંદોલન બનાવ્યું છે અને સ્વચ્છ ભારત મિશન દ્વારા નાના બાળકોથી લઈને વડીલો સૌ સ્વચ્છાગ્રહી બન્યા છે. ’વોકલ ફોર લોકલ’ના સંકલ્પ થકી ખાદીના ઉત્પાદન અને વેચાણમાં 4 થી 5 ગણો વધારો થયો છે, જેનાથી મોટા પાયે રોજગારીનું નિર્માણ થયું છે.મુખ્યમંત્રીએ અંતમાં ઉપસ્થિત સૌને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાનો સંકલ્પ લેવા અને હૃદયમાં પ્રેમ, જીવનમાં અહિંસા, સમાજમાં સમરસતા અને રાષ્ટ્રપ્રથમના ભાવ સાથે કર્તવ્યરત રહેવા આહ્વાન કર્યું હતું.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે કીર્તિમંદિર ખાતે પૂજ્ય બાપુના જન્મસ્થળની માહિતી આવરી લેતા ક્યૂઆર કોડની સુવિધાનું અનાવરણ કર્યું હતું.
આ સુવિધાથી પ્રવાસીઓને બાપુના જીવનકવન અને સ્થાપત્ય વિશેની માહિતી હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં ઓડિયો તેમજ લખાણના સ્વરૂપે આંગળીઓના ટેરવે સરળતાથી ઉપલબ્ધ થશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 1947માં આઝાદી મળી, હવે 2047માં આઝાદીની શતાબ્દી સાથે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની અમૂલ્ય તક આપણને મળી છે.
આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે પોરબંદરની ભૂમિ ચક્રધારી મોહન (ભગવાન કૃષ્ણના સખા સુદામા) અને ચરખાધારી મોહન (રાષ્ટ્રપિતા પૂજ્ય બાપુ)ની ભૂમિ તરીકે પ્રખ્યાત છે. તેમણે ’હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના સૂત્ર સાથે આગળ વધવા અપીલ કરી હતી.
પ્રાર્થનાસભાના સમાપન બાદ મુખ્યમંત્રીએ પરિસરના સંગ્રહસ્થાનમાંથી ખાદીની ખરીદી કરી હતી અને કસ્તૂરબા ધામની પણ પ્રથમ વખત મુલાકાત લઈ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં ભાગવતાચાર્ય અને રાષ્ટ્રીય સંત રમેશભાઈ ઓઝા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર સહિત અનેક અધિકારીઓ, પદાધિકારીઓ અને નગરજનોએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.



