વર્ષ 2018માં મ્યુઝિયમ ખુલ્લું મૂકાયા બાદ અત્યાર સુધીમાં 3.5 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી
બાળકોની માત્ર રૂ.10 અને 18 વર્ષની ઉપરની વયની વ્યક્તિ માટે રૂા. 25 ફી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ રાજકોટમાં અભ્યાસ કર્યો હતો. તેઓ જે સ્કૂલમાં ભણતા તે આલ્ફ્રેડ સ્કૂલ તરીકે ઓળખાતી હતી અને 2018 સુધી આ શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. જોકે બાળકોની સંખ્યા ઘટતા શાળા બંધ કરીને મહાત્મા ગાંધીના જીવન કવન આધારિત મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. 2018માં મ્યુઝિયમ ખુલ્લું મુક્યા બાદ અત્યાર સુધીમાં 3.5 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. જેમાં 2400 વિદેશી પ્રવાસી, 1 લાખ બાળકોએ વિઝીટ કરી હતી. દેશ-વિદેશથી અને ગુજરાતના અનેક પ્રવાસીઓ આ મ્યુઝિયમ જોવા આવતા અને દર મહિને લાખોની કમાણી થતી, પરંતુ થોડા મહિનામાં આવક ઓછી થઈ છે. કોર્પોરેશન આ મ્યુઝિયમ પાછળ દર વર્ષે 2.5 કરોડનો ખર્ચ છે. જ્યારે વાર્ષિક આવક માત્ર 15 લાખ આસપાસ છે.
- Advertisement -
આ મ્યુઝિયમમાં મહાત્મા ગાંધીજીના વિદ્યાર્થીકાળનાં સંસ્મરણો તથા જીવનચરિત્ર બાબતે લોકોને માહિતી મળી રહે એ માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે, જેમાં મલ્ટીમીડિયા મિની થિયેટર, મોશન ગ્રાફિક્સ એનિમેશન, થ્રીડી પ્રોજેક્શન, મલ્ટીપલ સ્ક્રીન્સ, ઓગમેન્ટેડ રિયાલિટી, સર્ક્યુલર વીડિયો પ્રોજેક્શન-થ્રીડી પ્રોજેક્શન મેપિંગ ફિલ્મ, વિશાળ વીડિયો આર્ક વોલ, મોન્યુમેન્ટલ લાઇટિંગ સહિતની ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. આ ઉપરાંત મ્યુઝિયમમાં મહાત્મા ગાંધીજીના જીવનચરિત્ર સાથે સંકળાયેલી લાઇબ્રેરી, મ્યુરલ, પ્રાર્થના હોલ અને ઇન્ટરએક્ટિવ મોડ ઓફ લર્નિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાઇ છે.
દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું બાળપણ રાજકોટના કબા ગાંધીના ડેલામાં વીત્યું, ત્યારે અભ્યાસ આલ્ફ્રેડ હાઇસ્કૂલ તરીકે ઓળખાતી રાજકોટની સ્કૂલમાં કર્યો હતો. સ્કૂલના વિકાસ માટે સૌરાષ્ટ્રના એ સમયના અનેક રાજાઓ ફાળો આપતા હતા. ત્યાર પછી સ્કૂલનું નામ બદલીને કાઠિયાવાડ હાઇસ્કૂલ રાખવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીજીએ આ હાઇસ્કૂલમાં 1880ની સાલમાં પ્રવેશ મેળવ્યો હતો. એ સમયે આચાર્ય ઉત્તમરામ મહેતા હતા. 1887માં ગાંધીજીએ અમદાવાદ કેન્દ્રમાંથી મુંબઇ યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષા 39 ગુણ મેળવી પાસ કરી હતી. ઇંગ્લેન્ડના મહારાણી વિક્ટોરિયાના બીજા નંબરના પુત્ર આલ્ફ્રેડ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે અંગ્રેજોને ખુશ કરવા જૂનાગઢના નવાબ મહોબત ખાન બીજાએ શાળામાં સુધારાવધારા અને શાળાના બિલ્ડિંગને ભવ્ય બનાવવા રૂપિયા એક લાખનો ફાળો આપ્યો હતો.
મ્યુઝિયમમાં ગાંધીજીના જીવનના અથ:થી લઈને ઈતિ સુધીના તમામ પ્રસંગો છે