સંપત્તિ કદાચ સગવડ આપી શકે પણ સુખ મેળવવા માટે નિસ્વાર્થભાવે સેવા કરતા શીખવું પડે
– શૈલેષ સગપરિયા
કેન્સર હોસ્પિટલમાં કેન્ટીન ચાલુ કરવી છે જયાંથી બધાને મફતમાં ચા અને બિસ્કીટ આપી શકું, પોતાની અંગત બચતમાંથી એમણે આ કેન્ટીન ચાલુ કરી, લોકો તરફથી પણ મદદ મળતી રહી અને ધીમે ધીમે આ કેન્ટીનમાં ચા બિસ્કીટની સાથે સાથે દાળભાત વગેરે પણ પીરસાવાનું શરૂ થયું, આજે રોજ 1,000થી વધુ લોકો આ કેન્ટીનનો લાભ લઇ રહ્યા છે
- Advertisement -
હિમાચલ પ્રદેશના શિમલામાં રહેતા સબરજીતસિંઘ બોબી ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે દર શનિવારે રક્તદાન કેમ્પનું આયોજન કરીને શિમલાની હોસ્પિટલોને લોહી પૂરું પાડતા. આ સેવા દરમ્યાન એક વખત સબરજીતસિંઘના ધ્યાન પર આવ્યું કે સારવાર કારગત ન નિવડવાને લીધે અવસાન પામતા માણસના મૃતદેહને એના વતન સુધી લઈ જવામાં ખૂબ તકલીફ પડી રહી છે કારણ કે શબવાહિની મળતી નથી અને મળે તો ગરીબ માણસને પોસાતી નથી. સબરજીતે નક્કી કર્યું કે આવા લોકોને મારે મદદ કરવી છે. શિમલાની ‘ગુરુનાનક સેવા સોસાયટી’ દ્વારા ચાલતી એક શબવાહિનીના ડ્રાઇવર તરીકે એણે વિનામૂલ્યે સેવા આપવાનું ચાલુ કર્યું. 24 કલાકમાં જ્યારે જરૂર પડે ત્યારે સબરજીતસિંઘ સેવા માટે હાજર જ હોય અને એ પણ એક રાતી પાઈ લીધા વગર. અત્યાર સુધીમાં 5,000થી વધુ શબને એણે શિમલાથી મરનારના ઘર સુધી પહોંચાડયા છે. સબરજીતસિંઘને બીજો વિચાર આવ્યો કે દૂર દૂરના ગામડાઓમાંથી કેન્સરની સારવાર માટે આવતા દર્દીઓના સગાઓ પાસે દવા લેવાના પણ પૈસા ઘટતા હોય છે તો પછી એ બિચારાઓનું જમવાનું શુ ? સબરજીતસિંઘે નક્કી કર્યું કે મારે કેન્સર હોસ્પિટલમાં કેન્ટીન ચાલુ કરવી છે જયાંથી બધાને મફતમાં ચા અને બિસ્કીટ આપી શકું. પોતાની અંગત બચતમાંથી એમણે આ કેન્ટીન ચાલુ કરી.
- Advertisement -
લોકો તરફથી પણ મદદ મળતી રહી અને ધીમે ધીમે આ કેન્ટીનમાં ચા બિસ્કીટની સાથે સાથે દાળભાત વગેરે પણ પીરસાવાનું શરૂ થયું. આજે રોજ 1,000થી વધુ લોકો આ કેન્ટીનનો લાભ લઇ રહ્યા છે. સબરજીતસિંઘે વિચાર્યું કે આ સેવામાં મારે વિદ્યાર્થીઓને પણ સામેલ કરવા છે, જેથી તેનામાં સેવાની ભાવના જન્મે અને બીજા માટે જીવવાના પાઠ શાળાકાળથી જ શીખે. વિદ્યાર્થીનું ભણતર પણ ના બગાડે અને વિદ્યાર્થી આ સેવા યજ્ઞમાં જોડાય એવો એક રસ્તો એણે શોધી કાઢયો. એમણે વિદ્યાર્થીઓને અપીલ કરી કે તમે શાળાએ આવો ત્યારે તમારા લંચની સાથે એક વધારાની રોટલી પણ લાવો. અમારું વાહન શાળાએ આવીને આ વધારાની એક રોટલી લઇ જશે અને જેને જરૂર છે એના સુધી પહોંચાડી દેશે. શિમલાના વિદ્યાર્થીઓ હોંશે હોંશે આ સેવાપ્રવૃત્તિમાં જોડાયા. શિમલાની કેટલીયે શાળામાંથી રોજની 6,000થી પણ વધુ રોટલીઓ આવવા લાગી. આ ભેગી થયેલી રોટલી જરૂરિયાતમંદ વચ્ચે વહેંચવા માટે પાંચ ‘રોટી-બેન્ક’ શરૂ કરી. સબરજીતસિંઘની આ પ્રવૃત્તિથી કેટલાય ગરીબ લોકોને આધાર મળી રહ્યો છે અને વિદ્યાર્થીઓ શાળામાં ભણાવવાના રહી જતા પરમાર્થ અને માનવતાના પાઠ ભણી રહ્યા છે. આપણને તો આપણા માટે પણ જીવતા નથી આવડતું જ્યારે આ માણસ બીજા માટે જીવી રહ્યો છે અને અન્યને પણ બીજા માટે જીવતા શીખવાડી રહ્યો છે. સંપત્તિ કદાચ સગવડ આપી શકે પણ સુખ મેળવવા માટે નિસ્વાર્થભાવે સેવા કરતા શીખવું પડે.