પેટિયું રળવા આવેલા યુવકે તમાકું લેવા જવાની ના પાડતા લોખંડનો રોડ ફટકારી હત્યા
મોટાવડાના પાદરમાં ભાણેજે ઝઘડો કરી ધોકો ફટકારી મામાનું ઢીમ ઢાળી દીધું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના જેતપુર અને લોધિકાના મોટાવડામાં હત્યાના બે બનાવો સામે આવ્યા છે જેતપુરના જૂનાગઢ રોડ પર તમાકુ લેવા જવાની ના પાડતા યુવાનને માથામાં સળીયો ઝીકી દીધો હતો જેનું લાંબી સારવાર બાદ મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે જયારે લોધીકાના મોટાવડામાં ભાણેજે ઝઘડો કરી મામાને માથામાં ધોકો મારી દેતા ઘટનાસ્થળે જ ઢળી પડતા મોત નીપજ્યું છે નવલા નોરતામાં હત્યાના બબ્બે બનાવ પોલીસ ચોપડે નોંધાતા પોલીસમાં દોડધામ થઇ પડી છે.
- Advertisement -
જેતપુરના બનાવમાં મૂળ એમપીના વતની અને હાલ જેતપુર ઓરડીમાં મિત્રો સાથે રહી એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરતા શ્યામલાલસિંગ રામાવતાર ગૌડ ઉ.25એ જયસિંગ કુંવર ગૌડ સામે જે તે વખતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.2/9/2025ના સાંજે કારખાનાનું કામ પૂરું કરી, મારા ગામના માણસો જે અમો સાથે કામ કરીએ છીએ તે બધા તથા અમારા વતનમાંથી મારા કાકાનો દીકરો કરણસિંગ અહીં કામ કરવા ચારેક દિવસ પહેલા આવ્યો હતો અમો બધા ઓરડીમાં બેઠા હતા તે દરમ્યાન જયસિંગને તમાકુ ખાવાની ટેવ હોય જેથી કરણસિંગને તમાકુ લેવા જવાનું કહ્યું હતું.
કરણસિંગે તમાકુ લેવા જવાની ના પાડી દેતા જયસિંગને સારું નહીં લાગતા કરણસિંગનો કોલર પકડીને ધમકાવવા લાગ્યો હતો મેં વચ્ચે પડીને જયસિંગને દૂર કર્યો હતો મેં તેને એક થપ્પડ પણ મારી દીધી હતી અને કહેલ કરણસિંગ મારા કાકાનો દીકરો છે તે અહીંયા નવો નવો આવ્યો છે તું તેને કેમ તારું કામ કરવા મોકલે છે.
મેં જયસિંગને ઠપકો આપતા તે ત્યાંથી જતો રહ્યો હતો બાદમાં હું મારા કામ ઉપર જતો રહ્યો હતો અને કરણસિંગ કારખાનાની ઓફીસમાં જઈને સુઈ ગયો હતો હું સવારે કામ કરી રૂમ પર જવાની તૈયારી કરતો હતો તે દરમ્યાન દાતારામ મારી પાસે આવેલ અને કહેલ કે કરણસિંગ ઓફિસમાં સુતો છે તે દરવાજો અંદરથી બંધ છે બારીમાંથી જોતા તેની આજુબાજુમાં લોહી પડ્યું છે કરણસિંગ કંઈ બોલતો નથી જેથી અમો બધા ત્યાં ભેગા મળીને બારીનો કાચ તોડીને અંદર ગયા હતા શેઠ મયુરભાઈને ફોન કરી એક ટેમ્પામાં આ કરણસિંગને લઈને જેતપુરની સંજીવની હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.
ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે રીફર કર્યો હતો કરણસિંગને ડોક્ટરે જોઈ તપાસી તેની હાલત સિરિયસ હોવાનું જણાવી સારવાર અર્થે દાખલ કર્યો હતો બનાવ અંગે પીઆઈ વી. એમ. ડોડીયા અને તેમની ટીમે આરોપીને રાજકોટ રેલવે સ્ટેશન પરથી દબોચી લીધો હતો જે લોખંડના રોડથી માર માર્યો હતો તે પણ પોલીસે કબ્જે કર્યો હતો.
આરોપી હાલ જેલ હવાલે છે શ્યામલાલસિંગે જણાવેલ કે, ડોક્ટરના જાણાવ્યા મુજબ આ અકસ્માતે ઇજા ન હોવાનું જણાવતા કોઈએ આ મારેલ હોવાનું પ્રાથમિક અનુમાન કરતા આ કરણસિંગ તથા જયસિંગને તમાકુ લેવા જવા બાબતે બોલાચાલી થઇ હતી અને તે જતા જતા દેખ લુંગા તેમ કહીને ગયો હતો બાદ રાત્રિના કરણસિંગ પર હુમલો કરી ગંભીર ઇજા કરી ઓફિસનો દરવાજો અંદરથી બંધ કરીને જયસિંગ બારી ખોલી ત્યાંથી ભાગી ગયો હતો આ તરફ કરણસિંગનું ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે તા.23/9ના રોજ રાત્રે 8:30 વાગ્યે મૃત્યુ નીપજ્યું હતું બનાવ હત્યામાં પલટાયો છે પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.
જયારે બીજા બનાવમાં લોધિકાના મોટાવડામાં રહેતા મનસુખભાઇ ઉર્ફે કાળુંભાઈ ધનાભાઈ મકવાણા ઉ.60 નામના વૃદ્ધ ગત બપોરે મોટાવડા ગામના પાદરમાં હતા ત્યારે કૌટુંબિક ભાણેજ સુરેશ સાથે ઝઘડો થતા સુરેશે માથામાં ધોકો મારી દેતા મનસુખભાઈ ઢળી પડતા ગ્રામજનોએ 108માં ફોન કરતા 108ની ટીમ દોડી આવી હતી અને ઈએમટીએ જોઈ તપાસી મનસુખભાઈને મૃત જાહેર કર્યા હતા.
મેટોડા પોલીસે મનસુખભાઇના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે મનસુખભાઇ 2 બહેનના એકના એક ભાઈ હતા.
તેમને સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી છે આરોપી સુરેશ ભાગીને કોઈ ખેતરમાં કપાસના પાક વચ્ચે છુપાઈ ગયો હતો પોલીસે તેને પણ ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.



