ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વધતા વાહનચોરીના ગુનાઓ સામે પોલીસે કડક પગલાં લેતાં એક મોટો ભેદ ઉકેલ્યો છે. બાતમી આધારે પોલીસે સુરતના મોટા વરાછાના સુમિત બાબુભાઈ વિરાણી (ઉ.25, મૂળ જામનગર, ખાનકોટડા ગામ)ને ચાર ચોરાયેલા વાહન સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ ₹1.46 લાખના વાહનો કબ્જે કર્યા છે. પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા, ડીસીપી રાકેશ દેસાઈ અને એસીપી બી.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ તાલુકા પીઆઈ ડી.એમ. હરિપરા અને પીએસઆઈ બી.આર. ભરવાડની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન એએસઆઈ હરપાલસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા અને જયપાલસિંહ સરવૈયાને કાલાવડ રોડ પાસે શંકાસ્પદ બાઈક સાથે ઉભેલા શખ્સની બાતમી મળી હતી. શકમંદને અટકાવી પૂછપરછ કરતાં તેણે રાજકોટ શહેરમાંથી કૃતિ ઓનેલા બિલ્ડીંગ પાર્કિંગમાંથી તેમજ કાલાવડ રોડ અંધવૃદ્ધાશ્રમ પાસે રાખેલા ત્રણ વાહન ચોર્યાની કબૂલાત આપી. આ ઉપરાંત તેણે ધ્રોલ બસ સ્ટેન્ડ પાસેથી ચોરેલી એક બાઈક જામનગરમાં રહેતા મિત્ર આકાશને વાપરવા આપી દીધી હોવાનું પણ જાહેર કર્યું. પોલીસે આ કાર્યવાહીથી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના બે, રાજકોટ ગ્રામ્યના ગોંડલ બી ડિવિઝનના એક અને સુરતના વરાછા પોલીસ સ્ટેશનનો એક સહિત કુલ ચાર વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.



