નેપાળ જનરલ ઝેડ આંદોલનમાં મૃત્યુઆંક 30 થયો, સુશીલા કાર્કી વચગાળાની સરકારનું નેતૃત્વ કરશે
ભારત-નેપાળ સંબંધોનું પ્રતીક, દિલ્હી-કાઠમંડુ બસ સેવા, નેપાળમાં સરકાર વિરુદ્ધ વધી રહેલા વિરોધ પ્રદર્શનોને કારણે સ્થગિત કરવામાં આવી છે. શરૂઆતમાં સોશિયલ મીડિયા પ્રતિબંધને કારણે શરૂ થયેલા આ વિરોધ પ્રદર્શનો ભ્રષ્ટાચાર અને જાહેર ઉદાસીનતા પર વ્યાપક અસંતોષ દર્શાવે છે. 1,167 કિલોમીટરને આવરી લેતી આ સેવા પરિસ્થિતિ સામાન્ય થયા પછી ફરી શરૂ થશે, જેમાં અસરગ્રસ્ત મુસાફરોને રિફંડ આપવામાં આવશે.
- Advertisement -
નેપાળમાં કથળી રહેલી પરિસ્થિતિની અસર ભારત-નેપાળ સરહદ પર પણ દેખાઈ રહી છે. નેપાળમાં ચાલી રહેલા સંઘર્ષ અને અશાંતિને ધ્યાનમાં રાખીને, ભારતે પોતાની સરહદ બંધ કરી દીધી છે. આથી નાગરિકોની અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. તેમજ મૈત્રી બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે વેપાર પણ સંપૂર્ણપણે અટકી ગયો છે.
મૈત્રી બસ સેવા બંધ
મહેન્દ્રનગરથી દિલ્હી અને દેહરાદૂન સુધી ચાલતી ભારત-નેપાળ મૈત્રી બસ સેવા મંગળવારથી બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે બંને દેશોના મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ઘણા નેપાળી લોકો ભારતમાં ફસાયા છે તો સામે ઘણા ભારતીયો પણ હાલ નેપાળમાં ફસાયેલા છે. આ બસ સેવા બંધ થવાના કારણે બંને દેશોના નાગરિકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
- Advertisement -
ભારતે નેપાળ સરહદ બંધ કરી
નેપાળમાં થઈ રહેલા ભારે સંઘર્ષને જોતા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત-નેપાળ મૈત્રી બસ સેવા બંધ કરી દેવાઈ છે. નેપાળમાં ચાલી રહેલી હિંસાની અસર હવે ભારતમાં પણ જોવા મળી રહી છે, જેના કારણે ભારત-નેપાળ સરહદને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે.
મૈત્રી બસ સેવા બંધ કરવા ઉપરાંત, સરહદ પર છુપાઈને આવન-જાવન કરતા માર્ગો પર પણ સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. આ હિંસાના કારણે વેપાર-ધંધા પર પણ માઠી અસર પડી છે અને ઘણા વેપારીઓના વ્યવસાયો સંપૂર્ણપણે ઠપ થઈ ગયા છે.
નેપાળમાં ઠેર-ઠેર હિંસા
આ સમયે નેપાળમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. હિંસક દેખાવકારો દ્વારા નેપાળની સંસદ, રાષ્ટ્રપતિના ઘર, સુપ્રીમ કોર્ટ સહિત ઘણાં રાજકીય નેતાઓના ઘરોમાં આગચંપી કરી છે. આ ઉપરાંત દેશભરમાં અનેક સ્થળોએ હિંસા અને લૂંટફાટની ઘટનાઓ બની રહી છે. બેકાબૂ ટોળા દ્વારા કેટલાક ટોચના નેતાઓને માર માર્યાની ઘટનાઓ પણ સામે આવી છે. આ દરમિયાન નેપાળની સેના હેલિકોપ્ટર દ્વારા મંત્રીઓને સુરક્ષિત સ્થળે લઈ જઈ રહી છે.
કેમ ફેલાઇ હિંસા?
નોંધનીય છે કે, નેપાળમાં ચાલી રહેલા આ આંદોલનને લોકો ‘Gen-Z રિવોલ્યુશન’ કહી રહ્યા છે, કારણ કે તેની આગેવાની યુવા અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. નેપાળ સરકારે ફેસબૂક, એક્સ (ટ્વિટર), ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ અને યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. ગુસ્સે ભરાયેલા યુવાનો આ નિર્ણયને અભિવ્યક્તિ સ્વતંત્રતા પરનો હુમલો ગણાવીને રસ્તા પર ઉતર્યા છે અને દેશભરમાં તોડફોડ-હિંસા કરી રહ્યા છે.