‘મોસ્કોને આ પ્રથા બંધ કરવા કહ્યું’: રશિયન સેનામાં ભારતીયોની ભરતી અંગેના અહેવાલોનો જવાબ આપતા વિદેશ મંત્રાલયે જણાવ્યું
સંઘર્ષમાં લડવા માટે ભારતીયોની ભરતી કરવામાં આવી રહી હોવાના તાજા અહેવાલો વચ્ચે, સરકારે નાગરિકોને રશિયન સૈન્યમાં જોડાવા સામે ચેતવણી આપી હતી. નવી દિલ્હી અને મોસ્કો વચ્ચે આ મુદ્દાને ઉકેલવા માટે ચાલી રહેલા રાજદ્વારી પ્રયાસોને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
- Advertisement -
વિદેશ મંત્રાલય દ્વારા રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાની સેનામાં ભરતીની જાહેરાતો પર સર્તક રહેવા અપીલ કરવામાં આવી છે. સરકારે આ મામલે ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરતાં સૂચન કર્યુ છે કે, તેઓ રશિયન સેનામાં ભરતની જાળમાં ફસાશો નહીં.
વિદેશ મંત્રાલયે ટ્વિટ મારફત જણાવ્યું હતું કે, એવી કોઈ પણ ઓફરનો સ્વીકાર ન કરો, કારણકે, આ માર્ગ અત્યંત જોખમભર્યો છે. રશિયન સેનામાં ભરતી કરી ભારતીયોને યુક્રેન સામે યુદ્ધ લડવા મોકલી રહ્યા હોવાના અહેવાલો મળ્યા હતા. આ અંગે સ્પષ્ટતા કરીએ છીએ કે, આવી કોઈપણ ઓફરનો સ્વીકાર કરશો નહીં. તેમજ રશિયાને પણ અપીલ કરી છે કે, તેઓ ભારતીયોને પરત મોકલે, જે કોઈપણ પ્રકારની લાલચમાં આવી તેમની સેનામાં સામેલ થયા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે રશિયન સેનામાં ભારતીયોની ભરતી સંબંધિત મીડિયાના સવાલોનો જવાબ આપતાં કહ્યું હતું કે, ભારતીય નાગરિકો આ પ્રકારના કોઈપણ પ્રસ્તાવથી દૂર રહે, કારણકે તેમાં અત્યંત જોખમ છે. અમને હાલમાં જ રશિયન સેનામાં ભારતીય નાગરિકોની ભરતીની જાણ થઈ છે. સરકારે છેલ્લા એક વર્ષમાં અનેક વખત આ પ્રકારની કાર્યવાહીમાં અત્યંત જોખમ વિશે જાણકારી આપી લોકોને સર્તક કર્યા છે કે, તેઓ આનાથી દૂર રહે.
- Advertisement -
રશિયન અધિકારીઓને કરી અપીલ
જયસ્વાલે આગળ જણાવ્યું હતું કે, અમે દિલ્હી અને મોસ્કો બંનેમાં રશિયન અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે. અમે રશિયાને અપીલ કરી છે કે, તેઓ આ પ્રકારની ગતિવિધિ બંધ કરે, અમારા નાગરિકોને પરત મોકલે. અમે પ્રભાવિત ભારતીય નાગરિકોના પરિવાર સાથે સંપર્કમાં છીએ. અમે ફરી એકવાર તમામ ભારતીય નાગરિકોને આગ્રહ કરીએ છીએ કે, તે રશિયન સેનામાં સામેલ થવાની કોઈપણ ઓફરનો સ્વીકાર કરે નહીં. આ અત્યંત જોખમી માર્ગ છે. અમે ફરી એકવાર તમામ ભારતીય નાગરિકોને રશિયન સેનામાં ભરતી થવાના કોઈપણ પ્રસ્તાવથી દૂર રહેવા આગ્રહ કરીએ છીએ.
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન અધિકારીઓ યુક્રેન સામે લડવા માટે વિવિધ દેશોમાંથી યુવાનોની સેનામાં ભરતી કરી રહ્યા છે. રશિયાની સેનામાં સામેલ થનારા ભારતીયોના પરિવારોએ જણાવ્યું હતું કે, સેનામાં ભરતી થયા બાદ તેમને પરત ફરવાનો કોઈ વિકલ્પ નથી.