સંતવાણી અને ભજનના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.4
સમસ્ત હળવદ વાલ્મીકિ સમાજ દ્વારા બાર બીજના ધણી બાબા રામદેવજી મહારાજના સાનિધ્યમાં ભાદરવા સુદ નોમ, દશમ અને અગિયારસના ત્રિદિવસીય નેજા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં અનેક સંતો-મહંતો, કલાકારો, રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મહોત્સવના ભાગરૂપે યોજાયેલા સંતવાણી કાર્યક્રમમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારોએ ભજન અને લોકસાહિત્યની રમઝટ બોલાવી હતી. જેમાં હાસ્ય સમ્રાટ હકાભા ગઢવી, સુપ્રસિદ્ધ ભજન આરાધક ગોપાલ સાધુ, સંતવાણી આરાધક મિત્તલબેન કલોલા, સાહિત્યકાર પી.વી. જાદવ (સ્ટેજ સંચાલક), ભજનાનંદી પાલુભાઈ ગઢવી, ભરતભાઈ વાઘેલા, અને ભરતભાઈ રામાનુજ સહિતના કલાકારોએ પોતાનો સૂર રેલાવ્યો હતો. આ દિવ્ય મહોત્સવમાં સંતો-મહંતોએ હાજરી આપી આશીર્વાદ પાઠવ્યા હતા. જેમાં મણીધર મોગલધામ, કબરાવ (કચ્છ)ના સામંતબાપુ, માનવસેવા આશ્રમ, સાવરકુંડલાના ભક્તિરામબાપુ, ઉદાસી આશ્રમ, પાટડીના ભાવેશબાપુ, લક્ષ્મીનારાયણ મંદિર, હળવદના મહંત દિપકદાસજી મહારાજ, અને મહાકાળી આશ્રમ, ચરાડવાના મહંત અમરગીરી મહારાજ સહિતના સંતોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત વાલ્મીકિ સમાજ, હળવદના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.