શું વાઈસ ચાન્સેલર ઉત્પલ જોશી UGC અને કાયદાથી પણ ઉપર છે?
વાઈસ ચાન્સેલર પાસે કેટલીક વિશેષ સત્તાઓ છે પરંતુ કાયદાથી વિરૂદ્ધ જવાનો તેમને કોઈ અધિકાર નથી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા હેડશિપ બાય રોટેશનના અમલ હેઠળ પાંચ ભવનમાં અધ્યક્ષની નિમણૂંક કરવામાં કાચું કપાયું હોવાનું શિક્ષણ જગતના જાણકારો સ્વીકારી રહ્યા છે. કુલપતિ ઉત્પલ જોશી, બીઓએમના સભ્યો, મહેકમના રંજન ખૂંટ સહિતનાઓએ તમામ નીતિ-નિયમ મૂકી માત્ર પાંચ ભવનમાં જ હેડશિપ બાય રોટેશનનો અમલ કરતા શિક્ષણ જગતમાં તરહતરહની ચર્ચાઓ શરૂ થઈ છે. ખાસ કરીને હેડશિપ બાય રોટેશનના અમલમાં મનોવિજ્ઞાન ભવનમાં મોસ્ટ સિનિયર પ્રોફેસર ડો. યોગેશ જોગસનની જગ્યાએ જૂનિયર પ્રોફેસર ડો. તરલીકા ઝાલાવાડીયાને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ બનાવતા ખળભળાટ મચી ગયો છે.
જો પાંચ ભવનમાં થયેલા અધ્યક્ષની નિમણૂંકમાંથી એકમાત્ર મનોવિજ્ઞાન ભવનની વાત કરવામાં આવે તો યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન)ના નિયમો મુજબ હેડ ઓફ ડિપાર્ટમેન્ટનું પદ સામાન્ય રીતે સૌથી સિનિયર અને કાયમી પ્રોફેસરને આપવામાં આવે છે. પ્રોબેશન પર રહેલા પ્રોફેસરને આ પદ આપવાની શક્યતા બહુ ઓછી હોય છે. મોટાભાગની યુનિવર્સિટીઓમાં યુજીસીના માર્ગદર્શિકા મુજબ હેડની નિમણૂંક સિનિયોરિટી અને રોટેશન (ક્રમશ:)ના આધારે થાય છે. આ પદ માટે સામાન્ય રીતે ડિપાર્ટમેન્ટના સૌથી વરિષ્ઠ (સિનિયર) પ્રોફેસરને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ રીતે મનોવિજ્ઞાન ભવનના સૌથી સિનિયર પ્રોફેસર ડો. યોગેશ જોગશન હોય તેઓ જ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ હોવા જોઈએ, નહીં કે પ્રોબેશન પર રહેલા ડો. તરલીકા ઝાલાવાડીયા.
પ્રોબેશન એ એક પ્રકારનો ‘ટ્રાયલ પિરિયડ’ છે, જેમાં પ્રોફેસરની કામગીરી અને યોગ્યતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, પ્રોફેસરનું ક્ધફર્મેશન બાકી હોય છે. વહીવટી દ્રષ્ટિએ ભવનના અધ્યક્ષ જેવું મહત્વનું પદ એવી વ્યક્તિને સોંપવામાં આવે છે, જેની નિમણૂંક કાયમી થઈ ગઈ હોય અને જેણે ડિપાર્ટમેન્ટમાં પૂરતો અનુભવ મેળવ્યો હોય. હેડ ઓફ ડિપાર્ટમેન્ટના પદમાં માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ વહીવટી અને નાણાકીય જવાબદારીઓ પણ હોય છે. આ જવાબદારીઓ નિભાવવા માટે કાયમી થયેલા અને અનુભવી પ્રોફેસરને પ્રાધાન્ય આપવું તાર્કિક ગણાય છે. આ રીતે પણ પ્રોબેશન પર રહેલા ડો. તરલીકા ઝાલાવાડીયા મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ બની ન શકે.
- Advertisement -
ટૂંકમાં યુજીસીના નિયમો મુજબ પ્રોબેશન પર રહેલા પ્રોફેસરને હેડશિપ આપવામાં આવતી નથી. આ પદ માટે સિનિયર અને ક્ધફર્મ થયેલા પ્રોફેસરને જ યોગ્ય ગણવામાં આવે છે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી કોમન એક્ટ 2023 અને કોમન સ્ટેચ્યુટ 2024 મુજબ પણ પ્રોબેશન પરના પ્રોફેસરને અધ્યક્ષ (વિભાગના વડા) તરીકે નિયુક્ત કરી શકાતા નથી. કારણ કે, હેડશિપ બાય રોટેશનનો મુખ્ય હેતુ એ છે કે, સિનિયર પ્રોફેસરને વારાફરતી વહીવટી જવાબદારીઓ મળે અને નેતૃત્વની તકો સર્જાય. આ પદ્ધતિમાં સામાન્ય રીતે સૌથી સિનિયર પ્રોફેસરને અધ્યક્ષ બનાવવામાં આવે છે. કાયદા મુજબ વિભાગના વડા બનવા માટે કાયમી અને સિનિયર પ્રોફેસર હોવું ફરજિયાત છે.
શિક્ષણ જગતના જાણકારો એવું પણ કહી રહ્યા છે કે, કુલપતિને યુનિવર્સિટીના હિતમાં અમુક વિવેકાધીન સત્તાઓ મળેલી છે તેમ છતાં તેઓ કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરી શકતા નથી. પ્રોબેશન પર રહેલા જૂનિયર પ્રોફેસર ડો. તરલીકા ઝાલાવાડીયાને મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવા એ યુનિવર્સિટીના સ્થાપિત નિયમો અને માળખાનું ઉલ્લંઘન ગણાય. ભલે કોઈ પ્રોફેસર ખૂબ જ સિનિયર હોય અને તેમ છતાં પ્રોબેશન પર હોય, ત્યાં સુધી તેમને હેડની જવાબદારી સોંપી શકાય નહીં. કાયદાની દ્રષ્ટિએ મનોવિજ્ઞાન ભવનમાં અધ્યક્ષ પદ ડો. યોગેશ જોગશન જેવા કાયમી અને અનુભવી પ્રોફેસર જ આવી શકે.