ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઉત્તર ચીનના તિયાનજિનમાં એક સમિટ માટે લગભગ 20 વિશ્વ નેતાઓને કહ્યું છે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સુરક્ષા મંચ હવે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાના રક્ષણ માટે “વધુ જવાબદારી” ધરાવે છે.
SCO દેશોને બાહ્ય હસ્તક્ષેપનો વિરોધ કરવા અપીલ
- Advertisement -
શી જિનપિંગે સ્પષ્ટતા કરી છે કે, હવે કોલ્ડ વૉર કે કોઈપણ પ્રકારની ધમકી સહન કરીશુ નહીં. SCOના તમામ સભ્યો સંયુક્ત હિતો પર કામ કરવા અપીલ છે. શાંઘાઈ સહયોગ સંગઠનના તમામ સભ્યોએ આ સંગઠનના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આજે તેની ગણતરી વિશ્વના ટોચના સંગઠનોમાં થાય છે. અમે કોલ્ડવૉરની માનસિકતાનો વિરોધ કરીશું. અથડામણ અને ધમકીઓનું અહીં કોઈ સ્થાન નથી. અમેરિકાના ટેરિફ નીતિના કારણે વૈશ્વિક પરિસ્થિતિ અસ્થિર અને અશાંત બની છે. એસસીઓ દેશોએ અમેરિકાની આ ગુંડાગીરી સહન કરવી જોઈએ નહીં. બાહ્ય હસ્તક્ષેપનો વિરોધ કરવો જોઈએ અને તમામ દેશોના કાયદેસર વિકાસ માટેના અધિકારોનું રક્ષણ કરવું જોઈએ. તેમણે યુનાઈટેડ નેશન્સની ભૂમિકાનું રક્ષણ તેમજ વૈશ્વિક વેપાર પ્રણાલીની અખંડિતતા જાળવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
ચીનના પ્રમુખે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિને વખોડી હતી. તેમણે ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે ઠેરવ્યો છે. ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ ભારત પર પણ 50 ટકા ટેરિફ લાદ્યો છે. શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટની શરૂઆત કરતાં જ ચીનના પ્રમુખ શી જિનપિંગે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં અમેરિકાના “ગુંડાગીરી”ના વલણની આકરી ટીકા કરી હતી. તેમણે SCO દેશોને વધુ ન્યાયી, પારદર્શક અને બહુપક્ષીયતા સાથે આગળ વધવા હાકલ કરી હતી. ભારત સહિત અનેક દેશો પર ટ્રમ્પ દ્વારા તાજેતરમાં લાદવામાં આવેલા ટેરિફની ચીને ટીકા કરી છે.
વિશ્વના 20થી વધુ દેશોના વડાને સંબોધતાં જિનપિંગે અમેરિકાના વર્ચસ્વવાદ અને સત્તાકીય રાજકારણ અપનાવવાનો આક્ષેપ કર્યો હતો. હાલમાં જ ટ્રમ્પ દ્વારા બેઇજિંગ પર રેસિપ્રોકલ ટેરિફનો અમલ વધુ 90 દિવસ લંબાવ્યા બાદ અમેરિકા અને ચીન વચ્ચે હાલ ટેરિફ યુદ્ધ-વિરામ છે. જો કે, ગયા અઠવાડિયે, ટ્રમ્પે ફરીથી ચીને દુર્લભ ખનિજોની નિકાસ પર 200 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી.