ભારે વરસાદથી જમ્મુ અને કાશ્મીરમાં રિયાસીમાં એક જ પરિવારના 7 લોકોના મોત, રામબનમાં 4 લોકોના મોત
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લાના રાજગઢ વિસ્તારમાં ભારે વરસાદ અને ઉપરના વિસ્તારોમાં વાદળ ફાટવાના કારણે ફરી એકવાર પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે 4 લોકો ગુમ થયાના અહેવાલ છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ઘણા ઘરોને નુકસાન થયું છે, જેમાંથી કેટલાક પૂરના પાણીમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે.
પરિસ્થિતિને જોતા, સ્થાનિક વહીવટીતંત્રે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ગુમ થયેલા લોકોને શોધવા માટે બચાવ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. તેમજ અસરગ્રસ્ત પરિવારો માટે કામચલાઉ રાહત કેન્દ્રો પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડ્યે વધારાની ટીમો પણ મોકલવામાં આવશે. સતત ભારે વરસાદને કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે.
જમ્મુ-કાશ્મીરમાં કુદરતી આફત
ઓગસ્ટ 2025માં, જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ભારે વિનાશ થયો છે. આ મહિને, રાજ્યમાં સતત પૂર અને ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. ખાસ કરીને જમ્મુ ક્ષેત્રમાં ભારે વિનાશ થયો. ગયા અઠવાડિયામાં ભારે વરસાદે જમ્મુ, સાંબા, કઠુઆ, રિયાસી અને ડોડા જિલ્લામાં વિનાશ વેર્યો. આ ઘટનાઓમાં અત્યાર સુધીમાં 36થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. ફક્ત રિયાસી અને ડોડા જિલ્લામાં 9 લોકોના મોત થયા. ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું, નદીઓનું જળસ્તર વધી ગયું અને ઘણા ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ.
અગાઉ, 14 ઓગસ્ટે કિશ્તવાડ જિલ્લાના ચિશોટી ગામમાં વાદળ ફાટ્યું, આ વિસ્તાર માતા વૈષ્ણોદેવી યાત્રાના માર્ગ પર આવેલો છે અને સમુદ્ર સપાટીથી 9,000 ફૂટની ઊંચાઈ પર છે. આ ઘટનામાં 60 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું, જયારે કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અને ગુમ થયા હોવાના અહેવાલ સામે આવ્યા. જોરદાર અચાનક આવેલા પૂરના કારણે યાત્રાળુઓના કેમ્પ, ઘરો અને પુલો તણાઈ ગયા.
શું હોય છે કલાઉડબર્સ્ટ (વાદળ ફાટવું)
માહિતી પ્રમાણે, કોઈ નાના વિસ્તારમાં (20–30 ચોરસ કિલોમીટર) એક કલાકમાં 10 સેમી કે તેથી વધુ વરસાદ થાય તેને વાદળ ફાટવું એટલે કે કલાઉડબર્સ્ટ કહેવામાં આવે છે. આ ઘટના ઘણીવાર પહાડી વિસ્તારોમાં જોવા મળે છે. જ્યારે ચોમાસાના ભેજવાળા પવન પર્વતો સાથે ટકરાઈને ઉપર ચઢે છે, ત્યારે તે ઠંડા થઈને ગાઢ વાદળો બની જાય છે. જ્યારે તેમાં પાણીનું વજન અસહ્ય થઈ જાય છે, ત્યારે તે અચાનક ભારે વરસાદના સ્વરૂપમાં પડે છે. આ અચાનક વરસાદ થોડીવારમાં જ અચાનક પૂર, ભૂસ્ખલન અને કાટમાળના પ્રવાહ જેવી પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે. વૈજ્ઞાનિકો માને છે કે હવામાન પરિવર્તનને કારણે આવી ઘટનાઓની સંખ્યા અને તીવ્રતા બંને વધી રહી છે.