ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની બી.એ. ડાંગર કોલેજ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. હોમિયોપેથીના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ધર્મેશ કળસરિયાએ કોલેજ સંચાલકોના કથિત ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, કોલેજ સંચાલકોએ પરીક્ષામાં પાસ કરવા માટે પૈસાની માંગણી કરી હતી અને પૂરા પૈસા ન આપતા ધર્મેશને પરીક્ષામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, જેના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું.
આ ઘટના બાદ NSUI (ગુજરાત પ્રદેશ) દ્વારા કોલેજ સામે ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. NSUI નું કહેવું છે કે કોલેજમાં ’નાણા આપો અને પાસ થાઓ’ જેવી પ્રથા ચાલી રહી છે. 2018માં શરૂ થયેલી આ કોલેજ પાસે શરૂઆતમાં કાઉન્સિલની મંજૂરી ન હોવાથી તે સમયના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આજદિન સુધી થયું નથી. ગત વર્ષે હોમિયોપેથી આયોગ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં કોલેજમાં ડમી પ્રોફેસર, ડોક્ટર અને દર્દીઓ હોવાનો ખુલાસો થયો હતો. NSUI એ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે મળીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
- Advertisement -
NSUIએ આ સમગ્ર મામલે રાજ્ય સરકાર પાસે માંગણીઓ કરી છે
ભૂતકાળમાં કોલેજ અમાન્ય હોવા છતાં કોની રહેમનજર હેઠળ હજુ પણ ચાલી રહી છે, તેની તપાસ કરવામાં આવે.
તાત્કાલિક ધોરણે આ કોલેજની માન્યતા રદ કરીને તેને ગેરલાયક ઠેરવવામાં આવે.
વિદ્યાર્થીના આપઘાત અંગે એક કમિટી ગઠિત કરી તપાસ હાથ ધરવામાં આવે.
આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ દોષિતોને કડકમાં કડક સજા આપવામાં આવે.



