ડુંગળીના પડની જેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કૌભાંડો ખૂલતાં જાય છે…
કુલપતિ ઉત્પલ જોશી અને બીઓએમ સિવાય મહેકમના ઓએસડીએ પણ હેડશિપ બાય રોટેશનમાં સિનિયર પ્રોફેસરને અન્યાય કરવામાં અને જૂનિયર પ્રોફેસરને હેડ તરીકે ઘૂસાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
એવું કહેવાય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણ કરતા પણ રાજકારણ વધુ જોવા મળે છે. અહીંના સત્તાધીશો શિક્ષણ ક્ષેત્ર કરતા રાજકારણના ક્ષેત્રમાં વધુ અગ્રેસર અને માહેર હોય છે. આવી જ રીતે હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘હેડશિપ બાય રોટેશન’ નીતિના અમલમાં જબરું રાજકારણ રમાયું છે જેમાં લાગતાવળગતાઓને ભવનના અધ્યક્ષ બનાવવા તમામ નીતિ-નિયમોને તિલાંજલિ આપી દેવામાં આવી છે. આ અંગે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી ચર્ચા અને વિવાદો વચ્ચે હેડશિપ બાય રોટેશન નીતિના અમલમાં થયેલી ગેરરીતિની વધુ કેટલીક સ્ફોટક વિગતો બહાર આવી છે.
રંજન ખૂંટે જાણીજોઈને નિયમોનું ખોટું અર્થઘટન કર્યું: શું તેમને કેમેસ્ટ્રીમાં પ્રોફેસર બનાવવાની લાલચ અપાઈ? યુનિવર્સિટીનાં કેમ્પસમાં જોરશોરથી ચાલતી ચર્ચા
- Advertisement -
સૂત્રોના જણાવ્યા અનુસાર કુલપતિ ઉત્પલ જોશી અને બીઓએમ સિવાય મહેકમના ઓએસડીએ પણ હેડશિપ બાય રોટેશનમાં સિનિયર પ્રોફેસરને અન્યાય કરવામાં અને જૂનિયર પ્રોફેસરને હેડ તરીકે ઘૂસાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવેલી છે. કેમેસ્ટ્રી ભવનમાં રહેલા રંજન ખૂંટને મહેકમ અના ઓએસડીની વધારાની જવાબદારી સોંપાઈ છે. અહીં તેમની જવાબદારીના ભાગરૂપે તેઓએ સ્ટેચ્યૂટનું ખરું અર્થઘટન કરવાનું હોય છે પરંતુ તેઓએ પોતાની નિકટના જૂનિયર પ્રોફેસર મિત્ર અને કુલપતિના મિત્રના પત્ની ડો. તરલીકા ઝાલાવાડીયાને સાયકોલોજી ડિપાર્ટમેન્ટ હેડ બનાવવા માટે સ્ટેચ્યૂટનું ખોટું અર્થઘટન કર્યું છે.
સ્ટેચ્યૂટના ઈન્ડેક્સ 163માં સિનિયોરિટી ક્રાઈટેરિયા આપવામાં આવ્યા છે જેમાં સ્પષ્ટ લખ્યું છે કે, કોઈપણ કર્મચારી કાયમી થયાને પહેલા દિવસથી તેમની સિનિયોરિટી ગણાઈ શકે છે. પ્રોબેશન પર હોય તેઓ મોસ્ટ સિનિયર ન હોય શકે, આમ છતાં મહેકમના રંજન ખૂંટએ ઓર્ડરમાં જૂનિયર પ્રોફેસર માટે મોસ્ટ સિનિયર પ્રોફેસરનો ઉલ્લેખ કર્યો છે જે દર્શાવે છે કે તેઓએ પણ સ્ટેચ્યૂટનો ભંગ કર્યો છે. પ્રોબેશન પર રહેલા ડો. તરલીકા ઝાલાવાડીયા કઈ રીતે મોસ્ટ સિનિયર પ્રોફેસર બની જાય? આ આખાય કાંડમાં તેઓ પણ કુલપતિ અને બીઓએમ જેટલા જ જવાબદાર છે. જો હવે ભવિષ્યમાં આ અંગે કાયદાકીય લડત શરૂ થશે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, બીઓએમ સાથે મહેકમના ઓએસડી સુધી તપાસનો રેલો આવી શકે તેમ છે.
OSD રંજન ખૂંટે સ્ટેચ્યૂટનું ખોટું અર્થઘટન કેમ કર્યું?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, રંજન ખૂંટને કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર થવું છે. તેથી કુલપતિની ઈચ્છા અનુસાર મિત્રના પત્ની અને પોતાના અંગત મિત્ર એવા મનોવિજ્ઞાન ભવનમાં ડો. તરલીકા ઝાલાવાડીયા અધ્યક્ષ બને તે માટે નીતિ-નિયમોનો ઉલાળીયો કરવામાં ખચકાટ અનુભવી નહતી. વળતર સ્વરૂપે તેઓને કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ પ્રોફેસર બનાવવાનો તખ્તો પણ ગોઠવાઈ ચૂક્યો છે. આ માટેની જાહેરાત પ્રસિદ્ધ થઈ ચૂકી છે, હવે તેમની ભરતી કરવામાં આવનાર છે. અત્રે ખાસ નોંધનીય છે કે, સૌરાષ્ટ્રમાં ઘણા વિષયના લોકો ફિઝિકલ હેન્ડિકેપ હશે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એકમાત્ર રંજન ખૂંટને પ્રોફેસર બનાવવા માટે જ કેમેસ્ટ્રી વિષયમાં ફિઝિકલ હેન્ડિકેપ પ્રોફેસર માટે ભરતીની જાહેરાત આપવામાં આવી છે. છેલ્લા દોઢ દસકથી તેઓ ફિઝિકલ હેન્ડિકેપ અનામતનો લાભ લઈ રહ્યા છે. વર્ષ 2011-12માં ફિઝિકલ હેન્ડિકેપ અનામતની જાહેરાત પર તેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર બન્યા હતા, ફરી વર્ષ 2023માં ફિઝિકલ હેન્ડિકેપ અનામતની જાહેરાત પર તેઓ એસોશિએટ પ્રોફેસર બન્યા અને હવે ફિઝિકલ હેન્ડિકેપ અનામતની જાહેરાત પર તેઓને પ્રોફેસર બનાવવા આવશે. આમ, એક જ વ્યક્તિ માટે જાહેરાત બહાર પાડીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દ્વારા ફિઝિકલ હેન્ડિકેપ અનામતનો દુરુપયોગ કરાતો હોવાનો તેમજ અન્ય ફિઝિકલ હેન્ડિકેપ ઉમેદવારને અન્યાય કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે હાલ તો રોટેશન બાય હેડશિપમાં મહેકમના રંજન ખૂંટ પાસે સ્ટેચ્યૂટનું ખોટું અર્થઘટન કરાવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ એક કાંકરે કેટલાય પક્ષીઓનો શિકાર કરી લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
શું છે સમગ્ર મામલો?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશી અને બીઓએમ દ્વારા ‘હેડશિપ બાય રોટેશન’ની નીતિના અમલમાં નિયમોનો ઉલાળીયો કરી મનોવિજ્ઞાન ભવનમાં ડો. તરલીકા ઝાલાવાડીયા, એમબીએ ભવનમાં ડો. હિતેશ શુક્લા, હોમસાયન્સ ભવનમાં ડો. હસમુખ જોશી, હિન્દી ભવનમાં ડો. શૈલેષ મહેતા અને કમ્પ્યુટર સાયન્સ ભવનમાં ડો. અતુલ ગોસાઈની નવા અઘ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. એટલું જ નહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સત્તાધીશો દ્વારા ભેદી કારણોસર માત્ર પાંચ જ ભવનમાં હેડશિપ બાય રોટેશન નીતિનો અમલ કરવામાં આવ્યો છે. હેડશિપ બાય રોટેશન નીતિના અમલમાં સિનિયર પ્રોફેસરની જગ્યાએ લાગતાવળગતા જૂનિયર પ્રોફેસરને ગોઠવવા સ્ટેચ્યૂટના નિયમ પણ નજરઅંદાજ કરવામાં આવ્યા છે. પાંચ ભવનમાં હેડશિપ બાય રોટેશન નીતિના અમલ માટે જે કમિટી બનાવવામાં આવી હતી તે કમિટીના જૂનિયર પ્રોફેસર શુક્લ, ગોસાઈ જેવા કેટલાક સભ્યો જ ખુદને સિનિયર પ્રોફેસર ગણાવી ડિપાર્ટમેન્ટ હેડ બની ગયા છે. આ ઉપરાંત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી અને ભક્ત કવિ નરસિંહ મહેતા જૂનાગઢ યુનિવર્સિટી કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હેડશિપ બાય રોટેશન નીતિનો અલગ પ્રકારે અમલ કરવામાં આવ્યો હોવાના પુરાવાઓ પણ જગજાહેર થયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બધાથી અલગ જ રૂલ્સ-રેગ્યુલેશન મુજબ નિયમનું ખોટું અર્થઘટન કરીને લાગતાવળગતા જૂનિયર પ્રોફેસરને પણ મોસ્ટ સિનિયર ગણાવી ડિપાર્ટમેન્ટ હેડ બનાવી દેતા વિવાદ સર્જાયો છે.



