જોનીશભાઈ પરમાર અને તેમના માતા રમાબેનને ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
પેઠીયો ભરવાડ, જીગો મુંધવા, ભાવેશ ફાંગલીયા તથા તેમની સાથેના અન્ય માણસોએ ઝઘડો કરી ધોકા, ધારીયા તથા પાઇપ વડે હુમલો કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સરધારમાં ખાબોચિયામાંથી પાણી ઉડવા બાબતે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં પાઇપ અને ધારીયા વડે હુમલો થતા માતા – પુત્ર ઘવાયા હતા. જોનીશભાઈ પરમાર અને તેમના માતા રમાબેનને ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ અંગે મળતી વિગત અનુસાર, રાજકોટ નજીક આવેલા સરધાર ગામમાં રહેતા જોનીશભાઈ કાનજીભાઈ પરમાર (ઉંમર વર્ષ 29) અને તેમના માતા રમાબેન (ઉંમર વર્ષ 46) ગઈકાલે સાંજે સરધાર ગામમાં કોળીપરામાં પંચમુખી ચોક ખાતે પોતાના ઘર પાસે હતા ત્યારે સામેવાળા પેઠીયો ભરવાડ, જીગો મુંધવા, ભાવેશ ફાંગલીયા તથા તેમની સાથેના અન્ય માણસોએ ઝઘડો કરી ધોકા, ધારીયા તથા પાઇપ વડે માર માર્યો હતો.
જોનીશભાઈએ જણાવ્યું કે, ગઈકાલે પોઠીયો ઇકો કાર લઈ નીકળ્યો ત્યારે ફૂલ સ્પીડમાં ચલાવતા ખાબોચિયું ભરેલું હોય, તેમાંથી મને પાણી ઉડ્યું હતું. મેં કાર ધીમી ચલાવવાનું કહેતા બોલાચાલી થઈ હતી. પછી આ પોઠીયો બીજા માણસોને લઈ મારાં ઘર પાસે આવ્યો હતો અને હુમલો કર્યો હતો. આજીડેમ પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને મોટા પ્રશ્નો ઊભા કર્યા છે. સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. જો પોલીસ સ્ટેશનની નજીક જ આવી ઘટના બની શકે છે, તો નાગરિકોની સુરક્ષા કેટલી જોખમમાં છે તે સ્પષ્ટરીતે સમજી શકાય છે. લોકોની સ્પષ્ટ માંગ છે કે પોલીસ તાત્કાલિક પગલાં લઈ તમામ આરોપીઓને જલ્દીથી પકડી લે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ પુનરાવર્તિત ન થાય તે માટે કડક કાર્યવાહી કરે.



