“પપ્પા, હું સાઇબરના ગુનામાં પકડાયો છું, મને પોલીસ…”
ક્રાઈમ બ્રાન્ચે મનીષ ઉર્ફે મોહિત ગોહેલ અને અલબાઝ ઉર્ફે રઈશ ભાડુલાની ધરપકડ કરી, ત્રીજા આરોપીને દબોચી લેવા શોધખોળ ચાલું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં રહેતા એક પિતાને આરોપીએ ફોન કરીને પોતાની સાઇબર ઓફિસર તરીકે ઓળખ આપી 40 લાખ રૂપિયાની ખંડણીની માગણી કરવામાં આવી હતી. તો સાથે જ જણાવ્યું હતું કે, જો રૂપિયા આપવામાં નહીં આવે તો તારો છોકરો તને જિંદગીભર જોવા નહીં મળે. જોકે સમગ્ર મામલાની જાણ પોલીસને થતા અપહરણકર્તાઓ અપહૃતને છોડીને લૂંટ ચલાવી નાસી ગયા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે દ્વારા ગુનામાં સંડોવાયેલા ત્રણ પૈકી બે કુખ્યાત શખ્સોને અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે.ગત 12 ઓગસ્ટ 2025 ના રોજ કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર 26 વર્ષીય રણધીર કટારીયા પોતાના અગાઉના પાડોશી અને ઇન્સ્ટાગ્રામ મિત્ર મોહિત ગોહિલને મળવા માટે ગણેશનગર ખાતે ગયો હતો. જ્યાં જતા મોહિત ગોહિલે તેને અન્ય બે વ્યક્તિઓ સાથે મળાવ્યો હતો. તેમજ ત્યારબાદ રણધીર પાસે રહેલ કાર મોહિતે ચલાવી તેને રાજકોટના ખંઢેરી તેમજ પારાપીપળીયા ગામ તરફ લઈ જવામાં આવ્યો હતો. તેમજ ત્યારબાદ રણધીરને માર મારવાનું આરોપીઓએ શરૂ કર્યું હતું. તો સાથે જ પોતાની પાસે રહેલી છરી દ્વારા દર બતાવી રણધીરે પહેરેલા સોનાના દાગીના તેમજ મોબાઇલ ફોન અને 20000 રૂપિયા રોકડ સહિતની વસ્તુઓની લૂંટ ચલાવી હતી.તો સાથે જ રણધીરને ડર બતાવતા જણાવ્યું હતું કે, અમે કહીએ તેમ તારા પિતાને વાત કરજે તેમજ ત્યારબાદ અમે તારા પિતા પાસેથી રૂપિયા 40 લાખની માંગણી કરીશું. ત્યારબાદ રણધીરે પોતાના પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે, હું સાઇબરના ગુનામાં પકડાયો છું અને મને પોલીસ ગાંધીનગર લઈ જઈ રહી છે તમે મને છોડાવી લો તેમજ પૈસાની માંગણી પણ આરોપીઓના કહેવાથી કરી હતી. ત્યારબાદ રઈશ દ્વારા અવારનવાર રણધીરના પિતા રૂપેશભાઈને વોટ્સએપ કોલ કરીને પૈસાની માગણી કરી હતી. તો સાથે જ કહ્યું હતું કે રૂપિયા નહીં પહોંચશે તો તારો છોકરો તને જિંદગીભર જોવા નહીં મળે તે પ્રકારની ધમકી પણ આપી હતી. આ પ્રકારની ધમકી મળતા રૂપેશભાઈએ પોતાના ઓળખીતા પોલીસ ઓફિસરની મદદ લીધી હતી. તેમજ ત્યારબાદ પોલીસ ઓફિસર દ્વારા પોતાની ઓળખ આરોપી રઈશને આપતા આરોપીઓ દ્વારા રણધીરને માર મારવામાં આવ્યો હતો. તેમજ પોલીસ પોતાને પકડી લે તે પૂર્વે જ રણધીરને છોડી મૂકી તેમજ રણધીરની કાર લઈને ત્યાંથી નાસી છૂટ્યા હતા. ત્યારે રાત્રિના સમયે રણધીર જંગલ વિસ્તારમાં ઝાડીઓમાં લપાઈને સૂઈ ગયો હતો તેમજ સવાર પડતા જ રાહદારીનો મોબાઇલ લઈને પોતાના પિતાને ફોન કરીને સ્થળ પર બોલાવ્યા હતા. ત્યારબાદ રણધીરને તેના પિતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ત્યારબાદ સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોહિત ગોહિલ, રઈશ ખાટકી તેમજ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ની કલમ 309 (5), 204, 61(2)(અ), 352, 140(2), 142, 308(5), 54 સહિતની કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવતા રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી માહિતી મળી હતી કે, રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લૂંટ વિથ અપહરણ અને મારામારીના ગુનામાં સંડોવાયેલા બે જેટલા આરોપીઓ અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશન ખાતે છે. જે માહિતી મળતાની સાથે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા 21 વર્ષીય મનીષ ઉર્ફે મોહિત ગોહેલ તેમજ 23 વર્ષીય અલબાઝ ઉર્ફે રઈશ ભાડુલાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કે ગુનાના કામે મદદગારી કરનાર ત્રીજા આરોપીની શોધખોળ હાથ ધરવામાં
આવી છે.
રણધીર કટારીયા પાડોશી અને મિત્ર મોહિત ગોહિલને મળવા માટે ગણેશનગર ખાતે ગયેલો, જ્યાં મોહિત ગોહિલે રણધીર કટારીયાને અન્ય બે વ્યક્તિઓ સાથે મળાવ્યો
મોહિત અને રઇશનો ભયંકર ત્રાસ, ફરી પાસામાં ધકેલી બહાર ન આવી શકે એવી કડક કાર્યવાહી અનિવાર્ય
- Advertisement -
કુખ્યાત મનીષ અને અલબાઝ ભૂતકાળમાં અનેકવાર પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે!
પોલીસની પ્રાથમિક તપાસમાં મનીષ ઉર્ફે મોહિત ગોહેલ વિરુદ્ધ અગાઉ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન તેમજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાર જેટલા ગુના દાખલ થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. તેમજ એક વખત પાસા એક્ટ અંતર્ગત પણ તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે કે આરોપી અલબાઝ ઉર્ફે રઇશ ભાડુલા વિરુદ્ધ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં કુલ 15 જેટલા ગુના દાખલ થઈ ચૂક્યા છે. તેમજ વર્ષ 2022થી લઈ 2025 દરમિયાન કુલ ત્રણ વખત તેના વિરુદ્ધ પાસા એક્ટ અંતર્ગત પણ કાર્યવાહી કરવામાં આવી છે.