રાજ્યનાં 180 સ્થળે ભરતી કરવાની છે, લગભગ દોઢસો કરોડનો કોન્ટ્રાક્ટ : અનેક કૌભાંડમાં ખરડાયેલાં સોલંકી-નાકરાણીને કોણ નાથશે?
20 એજન્સીઓનાં ટેન્ડર કોઈને કોઈ બહાના તળે રદ્દ કર્યા, સોલંકી-નાકરાણીનાં ટેન્ડર શા માટે રદ્દ ન થયા?
20 એજન્સીઓનાં ટેન્ડર કોઈને કોઈ બહાના તળે રદ્દ કર્યા, સોલંકી-નાકરાણીનાં ટેન્ડર શા માટે રદ્દ ન થયા?
ખાસ-ખબર સંવાદદાતા
વગદાર કોન્ટ્રાક્ટર એમ.જે. સોલંકી હવે વધુ એક છેતરપિંડી કરવા જઈ રહ્યો છે. તેની સાથે જોડાયેલી ડી.જી. નાકરાણી અને જે.કે. સિક્યુરિટી બ્લેક લિસ્ટેડ થઈ હોવા છતાં તેને ગુજરાતભરની સિવિલ હોસ્પિટલનો મેનપાવર સપ્લાયનો કોન્ટ્રાક્ટ નિયમ અને કાયદા વિરૂદ્ધ જઈને અપાવવાનો તખ્તો તૈયાર થઈ ગયો છે. શું તંત્ર સોલંકી જેવા અનિષ્ટને છાવરશે? એ મુદ્દા પર સૌની મીટ મંડાઈ છે.
- Advertisement -

એમ.જે. સોલંકી
આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ પંકજ સોરઠિયાએ આ અંગે કરેલી રજૂઆતમાં ધગધગતાં આક્ષેપો છે. અરજી મુજબ ગુજરાતભરની સરકારી હોસ્પીટલ તેમજ સી.એચ.સી. તેમજ પી.એચ.સી. સેન્ટરમાં 180 જેટલી જગ્યાઓ ઉપર આઉટ સોર્સથી કર્મચારીઓની ભરતી માટે રાજય સરકાર દ્રારા 12 વર્ષ બાદ મેન પાવર સપ્લાય માટેના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે.
- Advertisement -
શું રાજકોટ કલેક્ટર જાગશે ? સોલંકીનું ટેન્ડર રદ્દ કરશે?
સિવિલનાં ટેન્ડર મંજુર કરવાની સત્તા સિવિલ સર્જન, સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ વગેરેની એક કમિટિની હોય છે. પણ જિલ્લાધ્યક્ષ તરીકે કૌભાંડ થતું અટકાવવાની જવાબદારી કલેક્ટરની હોય છે. સવાલ એ છે કે, શું કલેક્ટર અરૂણ મહેશ બાબુ આ બાબતે કોઈ પગલાં લેશે? કે વર્ષોથી ચાલી આવતી એમ.જે. સોલંકીની ભક્તિ હજુ પણ ચાલું રહેશે! આ બાબતે કલેક્ટરે ચપળતા દાખવવાની આવશ્યકતા છે. સ્હેજ પણ ઢીલું વલણ મોટા કૌભાંડને આકાર આપી શકે છે. રાજકોટનાં કલેક્ટરનું પાણી આ પ્રકરણમાં મપાઈ જશે.

વર્ષોથી સિવિલના કોન્ટ્રાક્ટમાં ચાલતી સોલંકી અને નાકરાણીની ભક્તિ કોણ બંધ કરાવશે?
આરોગ્ય વિભાગ દ્રારા બહાર પાડવામાં આવેલા ગુજરાત ભરમાં મેન પાવર સપ્લાયના આટેન્ડરમાં નિયમોનો ઉલ્લઘન કરી રાજય સરકાર ઉપર ડાઘ લાગે તેવું કૃત્ય થવા જઈ રહયુ છે. ટેન્ડરના નિયમ 10 મુજબ” મેન પાવર સપ્લાય કરતી આઉટસોર્સ એજન્સી કે જેણે નિયમ મુજબ ટેન્ડર ભરવાનું હોય તેમાં કંપની વિરૂધ્ધ કોઈ પોલીસ ફરીયાદ હોવી જોઈએ નહી કે કંપની બ્લેક લીસ્ટ હોવી જોઈએ નહી.
પરંતુ આરોગ્ય વિભાગના 180ટેન્ડર ભરનાર એમ.જે. સોલંકી અને તેની સાથેની જોડાયેલી ડી. જી. નાકરાણી અને જે. કે. સીકયુરીટીટેન્ડરના નિયમ 10નો ભંગ કર્યો હોવા છતા તેને ટેન્ડર માં કવોલીફાઈ કરવામાં આવી છે. જે કંપની બ્લેક લીસ્ટ હોય છતા પણ કવોલીફાઈડ કરવામાં આવી છે.
એમ. જે. સોલંકી આઉટસોર્સ કંપનીને રાજસ્થાનમાં થયેલા 15 લાખના લાંચ કાંડ જેમાં લાંચ રૂશ્વત શાખા દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો તેમાં એઈમ્સ હોસ્પીટલ ભરતીકાંડમાં એમ. જે. સોલંકી ના કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી અને રાજસ્થાનમાં આ કંપનીને બ્લેક લીસ્ટ કરવામાં આવી છે. છતા ગુજરાતમાં આરોગ્ય વિભાગના ટેન્ડરમાં આ વાત છુપાવી ટેન્ડર ભર્યા હોય અને જે તે વિભાગે પણ આ ટેન્ડર બાબતે કોઈ ચકાસણી કર્યા વગર એમ.જે. સોલંકી કંપનીને કરોડોના ટેન્ડર આપવા કવોલીફાઈ કરી હોય આ ભ્રષ્ટાચારનાં સરકારી હોસ્પીટલના અધિકારીઓ પણ જવાબદાર હોય આ બાબતે સરકારે ગંભીર બની તાત્કાલીક પગલા ભરી એમ. જે. સોલંકી અને તેની સાથેની ડી. જી. નાકરાણી અને જે. કે. સીક્યુરીટી કંપનીને આ ટેન્ડર માંથી રદ કરી ટેન્ડર પ્રકિયા પારદર્શક રીતે થાય તેવો નિર્ણય લેવો જરૂરી છે. રાજયમાં સરકારી વિભાગમાં એમ. જે. સોલંકી ના તમામ કોન્ટ્રાકટ રદ કરી નવેસરથી ટેન્ડર પ્રકિયા કરવી જરૂરી છે. જેથી આવા ભષ્ટ્રાચારી કંપની ભવિષ્યમાં સરકારની કામગીરી ઉપર ડાઘ ન લગાવે.
20 ટેન્ડર રદ્દ થયા, કૌભાંડિયા સોલંકીનાં જ ટેન્ડર મંજૂર થયા!
મેનપાવર ભરતી માટે અન્ય અનેક એજન્સીઓએ પણ ટેન્ડર ભર્યા હતાં. આશ્ર્ચર્યની વાત એ છે કે, કોઈને કોઈ બહાના હેઠળ બાકીની 20 એજન્સીનાં ટેન્ડર રદ્દ કરવામાં આવ્યા છે અને કૌભાંડિયા સોલંકી તથા નાકરાણીનાં ટેન્ડર માન્ય રખાયા છે ! નિયમ મુજબ, ટેન્ડર ભરતી વખતે જે-તે એજન્સીએ નોટરાઈઝડ સોગંદનામું કરીને જણાવવાનું હોય છે કે તેમનાં પર ભ્રષ્ટાચારનાં કેસ નથી! આ કિસ્સામાં જો સોલંકી-નાકરાણીએ આવું સોગંદનામું કર્યું હોય તો પણ ગુનો બને છે, ન કર્યું હોય તો પણ એ ક્રાઈમ છે.
કોણ છે સોલંકી? તેની વગ ક્યાં સુધી છે?
એમ.જે. તરીકે ઓળખાતો મિનેશ સોલંકી અત્યંત વગદાર કોન્ટ્રાક્ટર છે. રાજ્યભરની અને રાજ્ય બહારની સિવિલ હોસ્પિટલોમાં પણ તેનાં કોન્ટ્રાક્ટ ચાલે છે. બ્યુરોક્રસી, સત્તાધિશો, પોલીસ તંત્રથી લઈ દરેક વિભાગમાં તેની પહોંચ છે. અનેક કૌભાંડોમાં તેની સામે આંગળી ચિંધાઈ હોવા છતાં તેનો વાળ વાંકો થતો નથી. બધાંને ‘સાચવી લેવાની’ તેને ગજબનાક ફાવટ છે. આ કારણે જ અનેક સ્કેન્ડલ પછી પણ તેની દુકાન ધમધમતી રહે છે.
રાજસ્થાનમાં સોલંકીએ આચરેલાં કૌભાંડોનાં પૂરાવા

નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર પાસે દાખલો બેસાડવાની સુવર્ણ તક
એમ.જે. સોલંકીનાં છેડાં ઠેઠ સ્વાસ્થ્ય વિભાગ, સ્વાસ્થ્ય મંત્રાલય સુધી અડતાં હોવાની ચર્ચા છે. આવી સ્થિતિમાં નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને તેમની સરકાર પાસે ઉદાહારણ બેસાડવાની તક છે. સોલંકી-નાકરાણીનાં ટેન્ડરો રદ્દ કરી, રિ-ટેન્ડરિંગ પ્રક્રિયા કરાવીને તેઓ જનતાને સીધો જ પ્રામાણિકતાનો સંદેશ આપી શકે છે. જોઈએ, તેઓ આ પડકાર ઝીલી શકે છે કે કેમ!



