ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
આગામી 29 ઓગસ્ટના રોજ નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે જૂનાગઢ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
કલેક્ટરે જણાવ્યું કે, હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે 29 થી 31 ઓગસ્ટ, 2025 દરમિયાન જિલ્લાની તમામ શાળાઓ, ગામડાંઓ, તાલુકાઓ અને કોલેજોમાં વિવિધ રમત-ગમત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. 29 ઓગસ્ટના બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યાલય, ટીંબાવાડી ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે, જેમાં હોકી પેનલ્ટી શૂટઆઉટ, સ્કીપિંગ રોપ, સૂર્ય નમસ્કાર જેવી સ્પર્ધાઓ અને રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે.30 ઓગસ્ટના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકો માટે ગોળા ફેંક, 100 મીટર દોડ, રસ્સા ખેંચ અને ફૂટબોલનું આયોજન થશે.31 ઓગસ્ટના જૂનાગઢ મનપા અને વહીવટી તંત્ર દ્વારા ’ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ અને ’સન્ડે ઓન સાયકલ’ કાર્યક્રમ હેઠળ ઝાંસીની રાણીના સ્ટેચ્યુથી મોતીબાગ સુધી સાયકલ રેલી યોજાશે.
- Advertisement -
ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને, જિલ્લામાં યોજાતા ગણેશ પંડાલમાંથી શ્રેષ્ઠ ત્રણ પંડાલને પુરસ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત, પાંચ અન્ય પંડાલને પ્રોત્સાહન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવશે. આ પ્રેસ કોન્ફરન્સમાં એસપી સુબોધ ઓડેદરા અને મનપા કમિશનર તેજસ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમોથી જૂનાગઢના લોકોમાં રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પ્રત્યે જાગૃતિ વધશે એવી અપેક્ષા છે.



