શ્રાવણ માસના ચોથા સોમવારે સ્વયંભૂ રામનાથ મહાદેવની 102મી પાલખી યાત્રા નીકળી
રામનાથપરા ગરુડ ગરબી ચોક ખાતે પુષ્પથી ભવ્ય સ્વાગત કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના રામનાથપરા ગરુડ ગરબી ચોક ખાતે એસ.ડી.ગ્રુપ દ્વારા સ્વયંભૂ રામનાથદાદાની વરણાગી પર 1111 કિલોની પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ ગ્રુપ દ્વારા દર વર્ષે રામનાથદાદાની વરણાગીનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસના ચોથા સોમવારે સ્વયંભુ રામનાથ મહાદેવના સાંનિધ્યમાં બપોરે 2.30 વાગ્યે ષોડશોપચાર પૂજન આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ બપોરે 3.30 વાગ્યે વરણાંગીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યાત્રામાં ભગવાન ખુદ લોકોને દર્શન આપવા નીકળ્યા હતા. સ્વયંભૂ રામનાથ મહાદેવની 102મી પાલખી યાત્રામાં હજારોની સંખ્યામાં શિવભકતો જોડાયા હતા અને ઠેર ઠેર રસ્તા પર હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો. આ ઉપરાંત વરણાંગી રામનાથપરા રોડ કોઠારીયા નાકા સોનીબજાર, કંસારા બજાર, પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, જયરાજપ્લોટ, હાથીખાનાથી રામનાથ મહાદેવના મંદિરે પરત ફરી હતી. રામનાથ મહાદેવની પાલખી યાત્રા પસાર થઇ ત્યારે ઠેર ઠેર રામનાથ દાદા પર પુષ્પોની વર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં રામનાથપરા ગરુડ ગરબી ચોક ખાતે એસ.ડી. ગ્રુપ દ્વારા રામનાથ દાદાનું પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
આ તકે એસ.ડી.ગ્રુપના સહદેવસિંહ ડોડીયા સહિતના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને રામનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. એસ.ડી.ગ્રુપ દ્વારા આ પરંપરા વર્ષોથી ચાલે છે. આ વર્ષે 1111 કિલો પુષ્પની રામનાથ દાદા પર વર્ષા કરવામાં આવી હતી. મહાદેવ સદૈવ રાજકોટ શહેરની રક્ષા કરે તેવી પ્રાર્થના સાથે આ 102મી પાલખી યાત્રા કાઢવામાં આવી છે. જેને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.