રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત પોલીસનો રોમાંચક બાઈક સ્ટંટ શૉ અને બેન્ડ દ્વારા રાષ્ટ્રભક્તિના ગીતોની સુરાવલી
સાહસ, શિસ્ત અને દેશપ્રેમનું અનોખું મિશ્રણ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય દિવસ-2025ની ઉજવણી અંતર્ગત પોરબંદર ચોપાટી ખાતે ગુજરાત પોલીસના જવાનો દ્વારા ભવ્ય બાઈક સ્ટંટ શો અને બેન્ડ દ્વારા દેશભક્તિના ગીતોની સુમધુર રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ, શિસ્ત અને સાહસિક ભાવના પ્રસરાવવાનો હતો. ગુજરાત પોલીસના કૂશળ જવાનો દ્વારા વિવિધ પ્રકારના રોમાંચક અને જોખમી બાઈક સ્ટંટનું પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં સંતુલન કૌશલ્ય, ઝડપી ગતિ સાથેના પ્રયોગો તથા ટીમવર્કની અદ્ભુત ઝલક જોવા મળી હતી. કાર્યક્રમ દરમિયાન પોલીસ બેન્ડ દ્વારા અનેક લોકપ્રિય દેશભક્તિ ગીતોની રજૂઆતથી સમગ્ર ચોપાટી દેશપ્રેમના સ્વરમાં ગુંજી ઉઠી હતી. સ્થાનિક નાગરિકો તથા પોરબંદર મુલાકાતે આવેલા પ્રવાસીઓએ આ દ્રશ્યોને ઉત્સાહપૂર્વક નિહાળ્યા અને જવાનોની સાહસિકતા તથા કલાત્મક રજૂઆતને તાળીઓ પાડી બિરદાવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સુચારુ વ્યવસ્થા માટે જિલ્લા પોલીસ દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.



