ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
સમગ્ર દુનીયામાં તા. 10મી ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાય છે. જંગલનો રાજા ગણાતો સિંહ 6 વર્ષ પહેલા ઝાલાવાડના ઠાંગા પંથકમાં પગલા પાડી ચુકયો છે. ત્યારે સિંહ પ્રદેશમાં હવે ઝાલાવાડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગત મે માસમાં જ રાજયના 11 જિલ્લાઓમાં સિંહની વસ્તી ગણતરી કરાઈ હતી. જેમાં ઝાલાવાડનો પણ સમાવેશ હતો. ત્યારે સિંહ દિવસની સુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓમાં છાત્રો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી.
ડાલામથ્થો સિંહ જંગલનો રાજા છે. વિશ્વભરમાં સિંહ માત્ર આફરીકા અને એશીયામાં જ જોવા મળે છે. તેમાં પણ એશીયામાં સમયાંતરે અન્ય દેશો અને ભારતના અન્ય રાજયોમાં સિંહ ઓછા થતા ગયા છે. હાલ સીંહનો વસવાટ માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ રહેલો છે. વર્ષ 2019-2020માં સિંહના ર પાઠડા વિચરણ કરતા કરતા ઝાલાવાડના ચોટીલાના ઠાંગા પંથકમાં આવ્યા હતા. અંદાજે છ માસ જેટલો સમય પાંચાળ પંથકમાં વિતાવ્યા બાદ તેઓ પોતાના ગીર પ્રદેશ પરત ફર્યા હતા. ત્યારથી ઝાલાવાડનો પણ સિંહ પ્રદેશમાં સમાવેશ કરાયો છે. ગત મે માસમાં રાજયના 11 જિલ્લાના 58 તાલુકાઓમાં સિંહની વસ્તી ગણતરી કરાઈ હતી. જેમાં ઝાલાવાડનો પણ સમાવેશ થયો હતો. વિશ્વભરમાં તા. 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ ઉજવાય છે. વર્ષ 2013થી 10 ઓગસ્ટના દિવસને વિશ્વ સિંહ દિવસ જાહેર કરાયો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓમાં પણ સિંહ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં રતનપરની દર્શન વિદ્યાલય ખાતે બાળકોમાં સિંહ પ્રત્યેની લાગણી ઉદ્દભવે અને ભવિષ્યમાં સીંહના સંરક્ષણ અને સંવર્ધન બાબતે માહીતી અપાઈ હતી. આ તકે શાળાના સંચાલક મહેશભાઈ કાનાણી, આચાર્ય જયેશભાઈ પીપળીયા સહિતનાઓના હસ્તે છાત્રોને સિંહના માસ્કનું વીતરણ કરાયુ હતુ. અને રેલીનું આયોજન કરાયુ હતુ. જયારે સુરેન્દ્રનગરની પ્રાથમીક શાળા નં. 4 બધેકા પ્રાથમીક શાળા, લીંબડી તાલુકા શીયાણીની એસ.એમ. હાઈસ્કૂલ, મૂળીના સરલાની ઉચ્ચતર માધ્યમીક શાળા ખાતે યોજાયેલ રેલીમાં બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા.