જાંબાળાના સાધારણ મહિલાની અસાધારણ સફળતા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
વિસાવદર તાલુકાના જાંબાળા ગામના હેતલબેન ઠુંમરની વાર્તા એ સાબિત કરે છે કે યોગ્ય માર્ગદર્શન અને સખત મહેનતથી એક સામાન્ય મહિલા પણ અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી શકે છે. એક સમયે બ્યુટી પાર્લર ચલાવતા હેતલબેને કોરોના મહામારી બાદ પોતાનો વ્યવસાય ગુમાવ્યો હતો. પરંતુ, તેમણે હિંમત હારવાને બદલે મિશન મંગલમ્ અંતર્ગત વ્રજ મંગલમ જૂથ સાથે જોડાઈને નવું સાહસ શરૂ કર્યું.
- Advertisement -
આજે હેતલબેન પંચગવ્ય આધારિત ઉત્પાદનો બનાવીને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે. તેમણે શરૂઆતમાં 10 બહેનો સાથે મળીને ધૂપ કપ અને અગરબત્તીઓ બનાવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેમનો ઉદ્યોગ વિસ્તર્યો અને આજે તેઓ સાબુ, ગણપતિની મૂર્તિઓ, હેર ઓઈલ, દંતમંજન સહિત 20 જેટલી વસ્તુઓનું ઉત્પાદન કરે છે. તેમની પ્રોડક્ટ્સની ગુણવત્તા અને મહેનતના કારણે ગ્રાહકો કુરિયર દ્વારા પણ તેમની વસ્તુઓ મંગાવે છે.
હેતલબેન અને તેમના પતિ કૈલાશભાઈ ગૌશાળાનું સંચાલન પણ કરે છે અને ગીર ગાયના પંચગવ્યમાંથી ઉત્પાદનો બનાવે છે. આનાથી તેઓ માત્ર આર્થિક ઉપાર્જન જ નથી કરતા, પરંતુ ગાયની સેવા પણ કરે છે. પાંચ વર્ષની સખત મહેનત પછી આજે તેઓ વાર્ષિક 15-17 લાખ રૂપિયાની કમાણી કરે છે અને ’લખપતિ દીદી’ યોજનાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.
તેઓ અન્ય મહિલાઓને પણ સખી મંડળમાં જોડાવા અને આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા આપે છે. તેમની રાષ્ટ્રભક્તિની ભાવના પણ જોવા મળે છે, તેઓ દર વર્ષે સૈનિકો માટે ગોબરમાંથી બનેલી રાખડીઓ પણ મોકલે છે. તાજેતરમાં, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. હેતલબેનની આ સફળતા દર્શાવે છે કે નાના ગામડાની મહિલાઓ પણ સરકારના સહયોગ અને પોતાની મહેનતથી મોટા સપના સાકાર કરી શકે છે.