ICMRનાં સર્વેનું તારણ
રાજ્યમાં કોરોનાનો નવો વાઈરસ આવવાની શક્યતા ઓછી
રાજ્યનાં 8500 ગામમાં 100 ટકા રસીકરણ થયું, વૅક્સિનેશનમાં ગુજરાત દેશમાં પ્રથમ
સરવેમાં જાહેર કરાયેલાં દેશનાં રાજ્યોની એન્ટીબોડી ટકાવારી
રાજ્ય સીરો પોઝિટિવિટી
મધ્યપ્રદેશ 79.00%
રાજસ્થાન 76.20%
બિહાર 75.90%
ગુજરાત 75.30%
છત્તીસગઢ 74.60%
ઉત્તરાખંડ 73.10%
ઉત્તરપ્રદેશ 71.00%
આંધ્રપ્રદેશ 70.20%
કર્ણાટક 69.80%
તમિલનાડુ 69.20%
ઓડિશા 68.10%
પંજાબ 66.50%
તેલંગાણા 63.10%
જમ્મુ-કાશ્મીર 63.00%
હિમાચલપ્રદેશ 62.00%
ઝારખંડ 61.20%
પશ્વિમ બંગાળ 60.90%
હરિયાણા 60.10%
મહારાષ્ટ્ર 58.00%
આસામ 50.30%
કેરાલા 44.40%
ખાસ-ખબર સંવાદદાતા
એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ બુધવારે ત્રીજી લહેરની શક્યતાને નકારી દીધી છે ત્યારે ગાંધીનગર સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ડાયરેક્ટર પ્રોફેસર દિલીપ માવલંકરે જણાવ્યું છે કે, મ્યુનિ.ના સરવે અનુસાર અમદાવાદમાં 82 ટકા લોકોમાં એન્ટિબોડી બની છે જ્યારે રાજ્યમાં આ આંકડો 75 ટકા સુધી પહોંચી ગયો છે તે કારણે કોરોનાની સંભવિત ત્રીજી લહેર બિનઅસરકારક સાબિત થઈ શકે છે. જોકે પ્રોફેસરે એવી પણ ચેતવણી આપી છે કે, અત્યાર સુધી રાજ્ય અને દેશમાં કોરોનાના જેટલા પણ વેરિયન્ટ ડિટેક્ટ થયા છે તે કરતા વધુ પાવરફૂલ કોઈ વાઈરસ આવે તો જ ત્રીજી લહેર અસર કરી શકે છે, પરંતુ હાલ રાજ્યમાં નવા વાઈરસના અણસાર નથી. તેમણે જણાવ્યું કે, કોરોના થવાના કારણે ઘણા લોકોમાં હર્ડ ઈમ્યુનિટી વિકસી ગઈ છે અને મોટાભાગના લોકોએ રસીનો પ્રથમ ડોઝ પણ મેળવી લીધો છે. આઈસીએમઆરના સરવે મુજબ મુંબઈમાં 85 ટકા લોકોમાં એન્ટિબોડી બન્યા છે.
દેશમાં સૌથી વધુ મધ્યપ્રદેશમાં 79 ટકા જ્યારે કેરળમાં સૌથી ઓછા 45 ટકા લોકોમાં એન્ટિબોડી બની છે. એન્ટિબોડી તૈયાર થવામાં ગુજરાત ચોથા ક્રમે છે. આરોગ્ય વિભાગના એડિશનલ ચિફ સેક્રેટરી મનોજ અગ્રવાલે કહ્યું કે, એઈમ્સના ડાયરેક્ટરનું નિવેદન સુખદ છે તેમ છતા સંભવિત ત્રીજી લહેર માટે ગુજરાત સરકારની પૂરી તૈયારી છે. આરોગ્ય વિભાગ કોઈ જ રિસ્ક લેશે નહીં. સરકારે રસીકરણ ઉપર વિશેષ ભાર મૂક્યો છે. રસીકરણમાં ગુજરાત દેશમાં નંબર 1 પર છે. 35 ટકા લોકોએ રસીના બંને ડોઝ જ્યારે 82 ટકાએ પ્રથમ ડોઝ લઈ લીધો છે. રાજ્યના 8500 ગામોમાં 100 ટકા રસીકરણ થઈ ચૂક્યુ છે.