ગંડીયાવાળા નેશમાં ડુંગરના પેટાળે ગેરકાયદેસર ભઠ્ઠી ચાલતી હતી; રૂ. 41,270નો મુદ્દામાલ કબજે, આરોપી ફરાર
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લામાં રાણાવાવ તાલુકાના બરડા ડુંગર વિસ્તારમાં આવેલ ગંડીયાવાળા નેશમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (કઈઇ) દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ હતી. આ કાર્યવાહી દરમિયાન રૂ. 41,270 જેટલો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. જૂનાગઢ રેન્જના આઈજી નિલેશ જાજડીયા અને પોરબંદરના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના સૂચન પર, જિલ્લામાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી તેજ કરવા કઈઇ દ્વારા સતત પેટ્રોલીંગ અને ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. કઈઇના પીઆઈ આર.કે. કાંબરીયાના માર્ગદર્શન હેઠળ અજઈં ગોવિંદભાઈ મકવાણા, હેડ કોન્સ. સલીમભાઈ પઠાણ અને જીતુભાઈ દાસા પેટ્રોલીંગમાં હતા ત્યારે તેમને બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂ બનાવાની વિગતો મળતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી. ટીમે ગંડીયાવાળા નેશથી પશ્ચિમ દિશામાં લગભગ 1 કિમી અંતરે, બરડા ડુંગરના પેટાળમાં આવેલ જગ્યા પર રેડ કરી, આરોપી ઉમેશ રામાભાઈ મોરી (રહે. ગંડીયાવાળા નેશ, તા. રાણાવાવ) સંચાલિત દેશી દારૂની ભઠ્ઠી ઝડપી હતી. રેડ દરમિયાન કબજે કરાયેલ મુદ્દામાલમાં દેશી દારૂ (પિવાને લાયક) 55.60 લિટર, દારૂ બનાવવાનો આથો 1000 લિટર, 200 લિટરના 5 પ્લાસ્ટિક બેરલ, 2 બોઈલર બેરલ, 2 પતરાના ફિલ્ટર બેરલ, 30 ખાલી ડબ્બા, તાંબાની ગુંચાળાની નળી, તેમજ 1 પતરાનું બેરલ જેમાં 200 લિટર પાણી ભરેલું મળી કુલ રૂ. 41,270 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ રેડ દરમિયાન આરોપી સ્થળ પર હાજર ન મળતા તેની સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરીમાં પીઆઈ આર.કે. કાંબરીયા, અજઈં બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોષી, ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઈ માવદીયા, હેડ કોન્સ. ઉપેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઈ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ઓડેદરા, જીતુભાઈ દાસા, ઠઇંઈ નાથીબેન કુછડીયા, પીસી નટવરભાઈ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, અજયભાઈ ચૌહાણ અને ડા. પીસી રોહિતભાઈ વસાવા જોડાયા હતા.