કોંગ્રેસ દ્વારા સાતમ-આઠમ બાદ કાયદાના અમલ સામે પ્રચંડ વિરોધની જાહેરાત; કાલાવડ રોડ પર કાર્યક્રમ શરૂ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં આગામી 8 સપ્ટેમ્બરથી ફરજિયાત હેલ્મેટના કાયદાનો અમલ કડકાઈથી કરવાના પોલીસના નિર્ણય સામે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે આંદોલનનું રણશિંગું ફૂંકવામાં આવ્યું છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રેરિત વિદ્યાર્થી સંગઠનો અને સામાજિક સંસ્થાઓએ વિરોધાત્મક કાર્યક્રમના ભાગરૂપે સહી ઝુંબેશથી તેનો પ્રારંભ કર્યો છે. આજે સવારથી રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સંકલ્પ સિદ્ધ હનુમાન મંદિર પાસે, સ્વામિનારાયણ મંદિર પાસે અને અંડરબ્રિજના ઉપરના ભાગમાં યુવા કોંગ્રેસ, ગજઞઈં અને શક્તિ સુપર સીના કાર્યકર્તાઓ દ્વારા સહી ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ કાર્યક્રમ સવારે 10:30 થી 1:30 અને સાંજે 4:30 થી 8:30 સુધી ચાલુ રહેશે, જેથી જાગૃત નાગરિકો સહી કરીને પોતાનો વિરોધ નોંધાવી શકે.
કોંગ્રેસ પક્ષનું માનવું છે કે રાજકોટ શહેરમાં ફરજિયાત હેલ્મેટના આ કાયદાનો પ્રચંડ વિરોધ છે. કોંગ્રેસ દ્વારા આ કાયદાને ’કાળો કાયદો’ ગણાવી તેની સામે આંદોલનની જાહેરાત કરવામાં આવી છે.
આજના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ગજઞઈં ના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી, યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ જાડેજા, શક્તિ સુપર સી ના પ્રદેશ અધ્યક્ષ વૈશાલીબેન સિંદે સહિત અનેક અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને નાગરિકોને આ ઝુંબેશમાં જોડાવા માટે અપીલ કરી હતી. કોંગ્રેસ પક્ષે ચીમકી ઉચ્ચારી છે કે, જો સરકાર આ મુદ્દે સકારાત્મક નિર્ણય નહીં લે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.