ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના બાપુનગર વિસ્તારમાં બનેલા એક સનસનાટીભર્યા કેસમાં, સાહિલની હત્યા અંગે માહિતી ન આપવા બદલ જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ વીડિયો બનાવી આત્મહત્યા કરનાર કમલેશ સરેરિયાના કેસમાં આરોપી જાકીર આમદભાઈ દલને રાજકોટની એડિશનલ સેશન્સ કોર્ટે જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. એડવોકેટ સુરેશ ફળદુએ રજૂઆત કરી હતી કે, એફ.આઈ.આર.ના આક્ષેપો મુજબ, ગુજરનાર કમલેશની દુકાનમાં નોકરી કરતો સાહિલ નામનો વ્યક્તિ 28/04/2025 ના રોજ બાપુનગરમાં થયેલ હત્યા કેસમાં સંડોવાયેલો હતો. આ હત્યા સલીમ દલ અને જાકીર દલના સગાની હોવાથી, ગુજરનાર કમલેશને હત્યા અંગે માહિતી આપવા અને ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી પાઈપ મારવામાં આવી હતી, જેના કારણે જાહેરમાં બદનામી થતા તેણે વીડિયો બનાવી આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ છે.
- Advertisement -
કેસની હકીકત મુજબ, કોઠારીયા ગામે રામપાર્કમાં રહેતા ગુજરનાર કમલેશના માતા ભાવનાબેન મુકેશભાઈ સરેરિયાએ રાજકોટના બાપુનગર વિસ્તારમાં રહેતા સલીમ અસલમભાઈ દલ અને જાકીર આમદભાઈ દલ વિરુદ્ધ રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે, આરોપીઓએ ફરિયાદીના દીકરા કમલેશને શારીરિક અને માનસિક ત્રાસ આપી, મારકુટ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના કારણે કમલેશને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા મળી હતી અને તેણે મોબાઈલમાં વીડિયો બનાવી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ગુનાના કામે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી જાકીર આમદભાઈ દલે રાજકોટની સેશન્સ અદાલતમાં એડવોકેટ સુરેશ ફળદુ મારફત જામીન અરજી દાખલ કરી હતી. દલીલ કરવામાં આવી હતી કે, ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) કલમ 108 અને 54 હેઠળ, આત્મહત્યા કરવા માટે ઉશ્કેરણીના આવશ્યક તત્વો આ કેસમાં ફલિત થતા નથી. એડવોકેટ ફળદુએ લોધિકા તાલુકાના મોટાવડા ગામે શિક્ષકોએ વિદ્યાર્થીને ચોરી અંગે ટપારતા તેણે વીડિયો બનાવી આત્મહત્યા કરેલ કિસ્સા અને રાજકોટ મહાનગરપાલિકા (છખઈ) ના ગ્રાઉન્ડમાં પાંચ નેપાળીઓને મરવા મજબૂર કરવાના કેસમાં આપવામાં આવેલ જામીન અને એફ.આઈ.આર. રદ કરવાના હુકમના સિદ્ધાંતો ટાંક્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, અરજદારનો કોઈ ગુનાહિત કૃત્ય ફલિત થતું નથી અને ગુજરનાર પાસે કાયદાકીય ઉપાય ઉપલબ્ધ હતો. અરજદારની વિવિધ ગંભીર બીમારીઓ અને સ્થાનિક નિવાસી હોવાની હકીકતો પણ ધ્યાનમાં લેવામાં આવી હતી.
મૂળ ફરિયાદી પક્ષે અને સરકારી વકીલ દ્વારા જામીન અરજીનો સખ્તાઈથી લેખિત અને મૌખિક વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, તમામ પક્ષોની દલીલો, રેકોર્ડ પરના પુરાવા, ઇન્વેસ્ટિગેશનના કાગળો અને અરજદાર સામેની તપાસમાં રહેલી ભૂમિકાને ધ્યાનમાં લેતા, કોર્ટે નોંધ્યું કે તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે. અરજદારનો ગુનાહિત ભૂતકાળ હોવા છતાં, તેમાંથી તે જામીન મુક્ત હતો અને કોઈ પણ કેસમાં તેને સજા થઈ ન હતી. અરજદાર ગંભીર બીમારીઓથી પીડાતા હોવાથી અને શરતોનું પાલન કરવાની ખાતરી આપતા હોવાથી, કોર્ટે જાકીર દલને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.
- Advertisement -
આ કેસમાં આરોપી જાકીર દલ વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, જસ્મીન દુધાગરા, જય પીઠવા, યુવરાજ વેકરિયા અને મદદમાં નિરવ દોંગા, પ્રિન્સ રામાણી, ભાવિન ખુટ, આર્યન કોરાટ, જયમલ મકવાણા, રાહુલ ફળદુ રોકાયેલા હતા.



