રાઇડ્સ સંચાલકોની CMને રજૂઆત બાદ ગૃહવિભાગે નિયમો હળવા કરતો પરિપત્ર જારી કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં દર વર્ષે ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે આ મેળામાં મુખ્ય આકર્ષણ રાઈડસ હોય છે. આ મેળાને મહાલવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી લાખોની જનમેદની ઉમટી પડે છે. પરંતુ લોકમેળામાં કોઈ દુર્ઘટના ન સર્જાય અને સાવચેતીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા જઘઙ ઘડવામાં આવી છે. જેમાં છેલ્લા બે વર્ષથી જઘઙના કડક નિયમો હોવાથી રાજકોટના લોકમેળાને લઈને ઘણી અટકળો સામે આવી હતી. અંતે રાજય સરકારના ગૃહ વિભાગના ઉપસચીવ શ્રધ્ધા પરમારે લોકમેળા અંગે એસઓપીમાં છુટછાટ આપતો ખાસ પરિપત્ર ઈશ્યુ કર્યો હતો. જે અંતર્ગત લોકમેળાઓમાં રાઈડસના લાયસન્સ આપવા અંગેના સૂચનો કરવામાં આવ્યા હતા. જો કે હવે રાજ્ય સરકારે લોકમેળાને લઈને જઘઙના નિયમો હળવા કર્યા છે, ત્યારે આયોજકો સહિતના લોકોને મોટી રાહત મળશે. રાજકોટ સહિત રાજ્યભરમાં લોકમેળાઓમાં રાઇડસ મુદ્દે વિવાદ ચાલ્યા બાદ હવે તમામ મેળાઓ રાઇડસ સાથે યોજાવાનો માર્ગ મોકળો બન્યો છે. રાજ્યના ગૃહવિભાગે લોકમેળાઓમાં રાઇડસ નાખવા માટેની અગાઉની એસઓપીના નિયમોમાં ઘણી છૂટછાટ આપી છે અને તેની અમલવારી માટેની સત્તા તમામ જિલ્લા કલેકટર અને સર્વે પોલીસ કમિશનરોને આપી છે. આમ આનંદ મેળો હવે રાઇડ્સ સાથે થવાની સંભાવના છે.
રાજકોટમાં ગત વર્ષે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના અને અમદાવાદમાં રાઇડસ તૂટી પડવાની દુર્ઘટના બાદ લોકમેળામાં રાઇડસ માટે રાજ્ય સરકારે નવી એસઓપી બનાવી હતી જેના પગલે રાઇડસ સંચાલકો અને સરકાર વચ્ચે વિવાદ થયા બાદ ચાલુ વર્ષે પણ રાઇડસ સંચાલકોએ ફોર્મ નહીં ભરી રાઇડસના નિયમોમાં છૂટછાટ માટે માંગણી કરી હતી. પરંતુ જિલ્લા કલેક્ટરોએ એસઓપીના કડક પાલનનો આગ્રહ રાખતા રાઇડસ સંચાલકોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી અને તેના પગલે ગૃહવિભાગે લોકમેળામાં રાઇડસ મુદ્દે નવું જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, મેળા ઓર્ગેનાઇઝર વેલફેર એસોસિએશન અમદાવાદ અને અન્ય આનંદ મેળાઓના આયોજકોને લાઇસન્સ મેળવવા પડતી અગવડો અંગે રજૂઆત કરાતા ગૃહવિભાગ દ્વારા એમ્યુઝમેન્ટ રાઇડસ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીઝ સેફટી રૂલ્સ 2024માં સુધારો કરવા સૂચના આપી હતી. જેમાં લાઇસન્સ આપવાની સમયમર્યાદામાં ઘટાડો કરવો, રાઇડ સેફટી એન્ડ ઇન્સ્પેકશન કમિટીમાં સ્થાનિક સરકારી ઇજનેરોની નિમણૂક કરવી, ટેમ્પરરી મેળાની રાઇડસ માટે ફાઉન્ડેશન મુદ્દે સુધારો સૂચવ્યો છે.
નિયમોમાં આ ફેરફાર કરાયા
1. લાઇસન્સ આપવાની સમયમર્યાદા : હાલના નિયમ મુજબ અરજદારે અરજી કર્યાના 60 દિવસમાં લાઇસન્સ આપવાનું રહે છે અથવા કારણો સહિત નકારવાનું રહે છે. જ્યારે આનંદમેળા માટે લાઇસન્સ આપવાની સમયમર્યાદા માત્ર 30 દિવસની કરવામાં આવી છે.
2. રાઇડ સેફટી એન્ડ ઇન્સ્પેકશન કમિટીમાં સ્થાનિક સરકારી ઇજનેરોની નિમણૂક : સિટી કે ડિસ્ટ્રિક્ટ રાઇડ સેફટી એન્ડ ઇન્સ્પેકશન કમિટીમાં નિમણૂક થયેલા ઇજનેરોને એમ્યુઝમેન્ટ રાઇડસ, ગેમિંગ ઝોન, આનંદમેળાના ઇન્સ્પેકશન માટે એકથી વધુ જિલ્લાઓ અથવા શહેરોની જવાબદારી આપવામાં આવી હોવાનું ધ્યાન પર આવતા સ્થાનિક સરકારી ઇજનેરોની નિમણૂક કરવામાં આવે તો 30 દિવસમાં લાઇસન્સ આપવામાં સરળતા ઉભી થાય તેથી સ્થાનિક ઇજનેરોનો સમાવેશ કરવાની સૂચના અપાઈ છે.
3. ટેમ્પરરી મેળાની રાઇડસ માટે ફાઉન્ડેશન : ટેમ્પરરી મેળાના આયોજકોએ રાઇડસ માટે જરૂર જણાયેથી ચાર્ટડ એન્જિનિયર દ્વારા સૂચવાયેલા સોઇલ સ્ટેબિલિટી રિપોર્ટ તેમજ રાઇડસની લોડ બેરિંગ કેપેસિટી તથા અન્ય જરૂરી વિગતો ધ્યાને લઇને ફાઉન્ડેશન કરવાનું રહેશે. ત્યારબાદ જો માર્ગ અને મકાન વિભાગના ઇજનેર દ્વારા તપાસ થયા બાદ જરૂરી સૂચના મળે તો તેમાં સૂચિત ફેરફાર કરવાનો રહેશે. રાઇડ માટે જો જરૂર જણાતી ન હોય તો આરસીસી ફાઉન્ડેશન અંગેનો આગ્રહ રાખવાનો રહેશે નહીં.
4. લાઇસન્સના દિવસોની ગણતરી : આયોજકોને ઓપરેશન લાઇસન્સ મળ્યાની તારીખથી 90 દિવસની મર્યાદા ગણવાની રહેશે.
- Advertisement -
હજુ ડોક્યુમેન્ટનો આગ્રહ: કૃષ્ણસિંહ જાડેજા, મેળા આયોજક
ગૃહવિભાગે નવા પરિપત્રથી 75 ટકા પ્રશ્ર્ન હળવા કરી દીધા છે પરંતુ હજુ પણ ડોક્યુમેન્ટનો આગ્રહ રાખવામાં આવે છે જે શક્ય નથી અને બીજો નવી એસઓપી મુજબ આઇએસઓ રાઇડસ માગવામાં આવી છે જ્યારે મોટાભાગના મેળામાં ચાલતી રાઇડસ એસેમ્બલ હોય છે. આથી આ મુદ્દે જિલ્લા કલેક્ટર અથવા પોલીસ કમિશનર જે લાગુ પડતા હોય તેમણે છૂટછાટ આપવી પડશે તો જ મેળામાં રાઇડસ ચાલુ થઇ શકશે.
ગત વર્ષે વરસાદના કારણે મેળો રદ્દ થઈ ગયો હતો
ગત વર્ષે ભારે વરસાદના કારણે મેળો રદ થતા લાખો સૌરાષ્ટ્રવાસીઓ લોકમેળો માણી શક્યા ન હતા. તેમજ આ વર્ષે એસઓપીના કારણે મોટી રાઇડ્સ વિના જ મેળો યોજાવાનો હતો પરંતુ સરકાર નિયમ હળવા કરતા હવે સૌરાષ્ટ્રવાસીઓ લોકમેળાનો આનંદ લઇ શકશે.