રાજકોટ મહાનગરપાલિકાનો 2035ના વિકાસને ધ્યાનમાં રાખી નિર્ણય
ટેન્ડર ભરવા માટે 31 જુલાઈ સુધીની મુદત, એજન્સીને મેન્ટેનન્સ સહિતનો 5 વર્ષનો કોન્ટ્રાક્ટ અપાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાએ હવે 2035 વિકાસને ધ્યાનમાં રાખી પાણીની કેટલી જરૂરિયાત રહેશે તેને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ શરૂ કર્યા છે અને તેના ભાગરૂપે પશ્ચિમ રાજકોટને માત્ર ન્યારી ડેમમાંથી પાણી પૂરું પાડી શકાય તે માટે રૂ. 136.70 કરોડના ખર્ચે 150 એમએલડીનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આયોજન કર્યું છે. હાલમાં રાજકોટ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં ન્યારી એક ડેમનું પાણી પર્યાપ્ત થતું ન હોય મહાનગરપાલિકા દ્વારા વોટર એક્સપ્રેસ ફીડર લાઇન મારફતે આજી ડેમનું પાણી પણ સપ્લાય કરવામાં આવી રહ્યું છે. દરમિયાનમાં હવે રાજકોટ શહેરમાં મોટામવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર અને મનહરપુર એમ પાંચ ગામો ભળતા અને ત્યાં આગળ પાણીની પાઈપલાઈનો નાખવામાં આવતા પાણીની વિશેષ જરૂરિયાત હવે ઊભી થઈ છે ત્યારે મહાનગરપાલિકાના સત્તાધીશોએ નવા ભળેલા પાંચ ગામ સહિત પશ્ચિમ રાજકોટની 6થી 7 લાખની જનતાને ન્યારી-1 ડેમનું પાણી પર્યાપ્ત થઈ રહે તે પ્રકારનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગના એન્જિનિયર કિશોર દેથરિયા અને વોટર વર્કસ સમિતિના ચેરમેન અશ્વિન પાંભરે જણાવ્યું હતું કે, શહેરની 20 લાખથી વધુ જનતા માટે હાલ દૈનિક 440 એમએલડી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. શહેરનો વ્યાપ સતત વધી રહ્યો છે અને તેમાં પણ પશ્ચિમ બાજુએ વધુ ઝડપથી શહેરનો વિકાસ થઇ રહ્યો છે તેમજ નવા પાંચ ગામો સહિત અનેક વિસ્તારો રાજકોટમાં ભળેલા હોય ત્યાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે અને આગામી 2035 સુધી આ વિસ્તારોના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખી 150 એમએલડીની ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઈએસઆર, જીએસઆર બનાવવા માટે રૂ.136.70 કરોડ ફાળવવામાં આવ્યા છે. મહાનગરપાલિકા આ પ્રોજેક્ટ માટે રૂ. 117 કરોડના એસ્ટિમેટ સાથેનું ટેન્ડર પ્રસિદ્ધ કરી દીધું છે. જે ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ રાખવામાં આવી છે. જેમાં એજન્સીને પાંચ વર્ષના મેન્ટેનન્સ સહિતનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. આ પ્રોજેક્ટની સાથોસાથ રૂ. 14 કરોડના ખર્ચે ઇન્ટેકવેલ બનાવવામાં આવશે.
- Advertisement -
આજીડેમ પર પણ 150 ખકઉનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આયોજન, જગ્યાની શોધખોળ
હાલમાં રાજકોટમાં કોઈપણ કાળે પાણી વિતરણ ન ખોરવાય તે પ્રકારનું આયોજન કરી રહ્યા છીએ અને તેના ભાગરૂપે ન્યારી-1 ડેમ બાદ આજી-1 ડેમ નજીક પણ 150 એમએલડીનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે હાલમાં જગ્યાની શોધખોળ ચાલી રહી છે. હાલમાં મહાનગરપાલિકા પાસે વેસ્ટ ઝોનમાં જેટકો. રૈયાધાર અને કાલાવડ રોડ એમ ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અને ન્યારી-1 ડેમમાંથી દૈનિક 130 એમએલડી પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. જે ક્ષમતા આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બની ગયા બાદ બમણી થઈ જશે. આથી વેસ્ટ ઝોનમાં આવતા 10થી 15 વર્ષમાં ગમે તેટલી વસતી વધારો થશે પાણીની સમસ્યા નહીં સર્જાય.
અન્ય ઝોનમાં પાણી વિતરણ કરી શકાય તે માટે એક્સપ્રેસ ફીડર લાઇન નખાશે
મહાનગરપાલિકાએ આ સમગ્ર પ્રોજેક્ટ પશ્ચિમ રાજકોટને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યો છે. જેમાં રાજકોટમાં નવા ભળેલા પાંચ ગામો સહિતના 6થી 7 લાખ જનતાની જરૂરિયાતને ધ્યાનમાં લેવામાં આવી છે. પરંતુ ભવિષ્યમાં અન્ય ઝોનમાં કોઇ કારણોસર પાણીની સમસ્યા સર્જાય અને પાણી વિતરણ અટકે ત્યારે આ નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી એક્સપ્રેસ ફીડર લાઇન મારફત ત્યાં પણ પાણી પહોંચાડી શકાય તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.