ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અષાઢી બીજ અને ગુરુપૂર્ણિમા અંતર્ગત 5 જૂલાઈએ સુરેન્દ્રનગરમાં, 6 જૂલાઈએ મોરબી અને વાંકાનેરમાં, 9 જૂલાઈએ રાજકોટમાં તેમજ સૌરાષ્ટ્રના અનેક સ્થળે અષાઢી બીજથી ગુરુપૂર્ણિમા સુધી કોળી ઠાકોર સમાજનો વિદ્યાર્થી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવેલું હતું. આ તમામ વિદ્યાર્થી સન્માન સમારંભ કાર્યક્રમોમાં એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હતી. 2026થી દર વર્ષે અષાઢી બીજથી ગુરુપૂર્ણિમા સુધી ગુજરાત રાજ્યમાં ક્ષત્રિય ઠાકોર અને સમસ્ત કોળી સમાજની તમામ વિવિધ સંસ્થા દ્વારા વૃક્ષારોપણ, મેડિકલ એજ્યુકેશન જેવી સેવાકીય પ્રવૃત્તિ થકી વેલનાથમય ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવશે.
- Advertisement -
ગુરુપૂર્ણિમાના દિવસે સૌરાષ્ટ્રમાં આવેલા તમામ નાના-મોટા સંત વેલનાથ મંદિરોમાં પૂજા-અર્ચના, મહાઆરતી કરાશે તેમજ નકલંક રણુજાધામ અલિયાબાડા ખાતે સંત નાગજીબાપુની જગ્યાએ ભોજન પ્રસાદ, મહાઆરતી કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલ ટોટાણા ગામમાં સંત સદારામધામ ખાતે બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો સંત સદારામબાપુની પૂજા, મહાઆરતી કરશે. ગુરુપૂર્ણિમા નિમિત્તે પણ વૃક્ષારોપણ કરવામાં આવશે. મોરબીમાં સંત વેલનાથધામ શૈક્ષણિક રથને વિશાળ સંખ્યામાં બહેનો અને મહિલા ધુન-મંડળ દ્વારા ગુરુપૂર્ણિમાના દિવસે મહાઆરતી કરશે.