ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.26
ટંકારા શહેરના હાઈવે કાંઠે વસેલા દયાનંદ નગર વિસ્તારમા સોસાયટી નિર્માણ થયા ને બે દસકો વિતી ગયા બાદ પણ હજુ સુધી રોડ રસ્તા ની પાયાની સુવિધાઓ મળી તો નથી. પરંતુ ચોમાસા દરમિયાન ચાર મહિના હિજરત કરવી પડે એવી અવદશા હાલ વરતાઈ રહી છે. સોસાયટીમા પ્રવેશવાના ખાનગી શાળા પાસે ના મેઈન રોડ પાસે મુખ્ય માર્ગ પર વરસાદી પાણીના ખાબોચીયા કાયમી હોવાથી અહીંયા નર્કાગાર મા સબળી રહ્યા હોવાની ફરીયાદ અહીંયા વસનારા પરીવારો કરી રહ્યા છે. માર્ગ મરામત અને પેવર બનાવવા વર્ષોથી લોલીપોપ અપાતી હોવાની વેદના સાથે અને રોડ ના ફોટા મોકલી સ્થાનિક ધારાસભ્યને રજુઆત કરી હોવા છતા લુખ્ખા આશ્ર્વાસન સિવાય કાંઈ મળ્યું ન હોવાના વસવસા સાથે વેદના ઠાલવી પાણી ભરેલા માર્ગ થી મચ્છર સહિતના જંતુઓનો ઉપદ્રવ વધવાથી રોગચાળો ફાટી નિકળવાની દહેશત વ્યકત કરી હતી.
ટંકારાના હાઈવે કાંઠે બસસ્ટેશન પાસે વસેલા દયાનંદ નગર સોસાયટીનો વિસ્તાર લગભગ વીસ વર્ષ પૂર્વે વિકસ્યો છે. અહીં વસતા પરીવારો અગાઉ ગ્રામ પંચાયત મા હવે નગરપાલિકામા નિયમિત કરવેરા ચુકવી રહ્યા છે. પરંતુ આ વિસ્તારની કાયમી ઉપેક્ષા થઈ રહી હોવાની વેદના સાથે હૈયાવરાળ ઠાલવતા જણાવ્યુ હતુ કે, વર્ષોથી રોડ રસ્તા સફાઈ માટે ખો અપાઈ રહી છે. નિરાકરણ આવતુ નથી. વીસેક દિવસ પૂર્વે વરસાદ આવ્યા બાદ અહીંયા મુખ્ય રસ્તા પર પાણીના તળાવ ભરાયા હોવાથી સ્થાનિક ધારાસભ્યને ફોટા મોકલી ઉકેલ માટે વિનંતી કરી હોવા છતા લુખ્ખા આશ્ર્વાસન સિવાય કાંઈ સિધ્ધ થયુ નથી. તંત્ર અને સતા પક્ષ પણ દાદ દેતુ નથી. અહીંયા ચોમાસું સિઝનમાં હિજરત કરવી પડે એવી સ્થિતિ વર્ષોથી હોવા છતા રજુઆત ને અંતે નસીબમા લોલીપોપ મળે છે. હાલ મારગ મા પાણી ભરાયેલુ હોવાથી વૃધ્ધો, મહિલાઓ અને બાળકોને ફરજીયાત ઘરમા પુરીને ધંધા રોજગાર માટે પુરૂષોને રોજી રળવા જવુ પડે છે. વિસ્તારની કાયમી ઉપેક્ષા થી હાલત નર્કાગાર બની હોય બાળકોનુ ભણતર બગડી રહ્યુ હોવા સાથે મચ્છર માખી સહિતના જંતુઓનો ઉપદ્રવ વધવાથી માંદગી વધવાની દહેશત વ્યકત કરી હતી. સોસાયટી ના લોકો એ આક્ષેપ કર્યો હતો કે, રાજકીય રીતે ખમતીધર હોય એવા વિસ્તારમાં જ વારંવાર વિકાસ થાય છે. અહીંયા નજર અંદાજ કરવાની વૃત્તિ છે.



