તંત્ર દ્વારા ખનન બંધ હોવાનું રટણ પરંતુ સ્થિતિ કંઈક જૂદી જ નજરે પડી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર કોલસાના ખનન સામે ગમે એટલી કાર્યવાહી થાય પરંતુ ખનિજ માફીયાઓ ખનન બંધ કરવાનું નામ નથી લેતા તેવામાં ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા અગાઉ વારંવાર થાનગઢ અને મૂળી પંથકમાં ચાલતા કોલસાની ગેરકાયદેસર ખાણો પર દરોડા કર્યા હતા છતાં પણ આજેય કોલસાની ખાણો યથાવત હોવાના પુરાવા આપતો વિડિયો સામે આવ્યો છે. જેમાં થાનગઢના વાસુકી ઓવર બ્રિજ ખાતે મોડી રાત્રીના સમયે કોલસાનું વાહન કરતા ટ્રેક્ટરો જોવા મળતા હતા. જે દ્રશ્ય પરથી સ્પષ્ટ એક વાત સાબિત થાય છે કે જે પ્રકારે તંત્ર કોલસાનું ખનન બંધ થયું હોવાનું રટણ કરી રહ્યું છે જે વાત ખોટી છે. જેથી આ વીડિયો પણ કોલસાનું ખનન શરૂ હોવાનો પુરાવો આપી રહ્યો છે. જેને લઇ તંત્રની કામગીરી પણ ક્યાંકને ક્યાંક શંકાસ્પદ જણાઈ આવે છે.


