વિશ્ર્વ ઓલિમ્પિક દિવસ I ઓલિમ્પિક 2036ની યજમાની કરવા ગુજરાત સજ્જ : અમદાવાદ બનશે સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમનું સેન્ટર ઓફ એટ્રેક્શન
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસની સ્થાપના 1948માં કરવામાં આવી હતી અને 23 જૂન, 1894ના રોજ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપનાની યાદમાં ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના મૂળ રૂપે પેરિસમાં બેરોન પિયર ડી કુબર્ટિન દ્વારા કરવામાં આવી હતી, જે પ્રાચીન ઓલિમ્પિક રમતોના પુનરુત્થાન માટે જવાબદાર હતા. ગુજરાતનું આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર એવું અમદાવાદ શહેર વર્ષ 2036ની ઓલિમ્પિક રમતોનું યજમાન શહેર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)ને 1 ઓક્ટોબર, 2024ના રોજ ઔપચારિક રીતે લેટર ઓફ ઇન્ટેન્ટ મોકલીને ઓલિમ્પિક 2036ની યજમાની માટે દાવેદારી નોંધાવી છે.
ગુજરાત રાજ્ય અને એમાંય અમદાવાદ શહેરને આ મહાકુંભની યજમાની માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ‘ખેલશે ગુજરાત, જીતશે ગુજરાત’ના મંત્ર સાથે ગુજરાત સરકારે રમતગમતના વિકાસ માટે મજબૂત નીતિઓ અને આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કર્યું છે. આ સાથે, રાજ્યના ઉભરતા ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે, જે 2036ના ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરવાની સંભાવનાઓને મજબૂત બનાવે છે. રાજ્યભરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દ્વારા ફ્યુચર મેડાલિસ્ટ તૈયાર કરવાનો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો ધ્યેય છે. ગુજરાતમાં આવેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના તાલુકા અને જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાજ્ય માટે મેડલ મશીનની ભૂમિકા ભજવવા સજ્જ બની રહ્યા છે. રાજ્યમાં હાલમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાતના જિલ્લા કક્ષાના 24 અને તાલુકા કક્ષાના 6 મળીને કુલ 30 સ્પોર્ટ્સ કોમ્પલેક્સ કાર્યરત છે. સાથે જ, રાજ્યમાં કુલ 20 સ્પોર્ટ્સ હોસ્ટેલ 4000 જેટલાં ખેલાડીઓને નિવાસ સાથે તાલીમની સુવિધા પૂરી પાડી રહી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત આગામી સમયમાં જિલ્લા કક્ષાના 13 અને તાલુકા કક્ષાના 18 મળીને કુલ 31 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દ્વારા રાજ્યમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવીને સ્પોર્ટ્સ ઈકો સિસ્ટમને વેગ આપવાના ઉદ્દેશ સાથે કામગીરી કરી રહ્યું છે. નવા બનનારા 31 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થકી રાજ્યને વિવિધ રમતોમાં મેડલ્સ અપાવનારા ખેલાડીઓની સંખ્યા અનેકગણી વધવાની આશા છે.
આ જિલ્લામાં સ્થાપાશે નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
અમરેલી, આણંદ, ભરૂચ, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, મહીસાગર, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર અને વલસાડ સહિતના કુલ 13 જિલ્લાઓમાં નવા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ શરૂ થશે.
- Advertisement -
ઓલિમ્પિક 2036ની તૈયારીઓ
રાજ્યમાં ઓલિમ્પિક ગેમ્સને અનુરૂપ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણ માટે ગુજરાત સરકારે ગુજરાત સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની સ્થાપના કરી છે, જે 6000 કરોડના બજેટ સાથે 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવશે. આ ઉપરાંત, પેથાપુર, કરાઈ પોલીસ એકેડેમી, ગિફ્ટ સિટી, અને મણિપુર-ગોધાવીમાં નવી સ્પોર્ટ્સ સુવિધાઓ બનાવવામાં આવશે. જેના લીધે અમદાવાદ અને ગાંધીનગર ઓલિમ્પિકની 80%થી વધુ રમતો યોજાવા માટે સક્ષમ હશે. છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ્યમાં સુઆયોજિત સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર થકી રમતગમત ક્ષેત્રે ઉભરતા ખેલાડીઓને મજબૂત પ્લેટફોર્મ મળી રહ્યું છે. ’શક્તિદૂત’ જેવી રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજના પણ નાણાકીય સહાય અને અનુદાન થકી વિવિધ રમતોના ખેલાડીઓને મોટો ટેકો આપી રહી છે. જેના લીધે રાજ્યના ખેલાડીઓ નેશનલ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક સહિતની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. રાજ્ય સરકારની સ્પોર્ટ્સ સંબંધિત યોજનાના લાભાર્થી અથવા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તાલીમ મેળવેલા વિવિધ ખેલાડીઓએ ટોક્યો ઓલિમ્પિક 2020 અને પેરિસ ઓલિમ્પિક 2025માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાજ્યનું નામ રોશન કર્યું હતું.
કઈ કઈ રમતોમાં ખેલાડીઓને મળે છે તાલીમ અને માર્ગદર્શન ?
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને હાઈ પરફોર્મન્સ સેન્ટરમાં અનુભવી કોચિંગ સ્ટાફ દ્વારા વોલિબોલ, એથ્લેટિક્સ, સ્વિમિંગ, આર્ચરી, રેસલિંગ, કબડ્ડી, જૂડો, બાસ્કેટબોલ, ટેબલટેનિસ, બેડમિન્ટન, ફૂટબોલ, હોકી, ખો ખો સહિતની રમતોની તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.