ગાંધીનગર ખાતે વિજયભાઇ રૂપાણીને ભાજપના કાર્યકરો અને આગેવાનોએ ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ અર્પણ કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
“ભારતીય જનતા પાર્ટીના એક પ્રખર રાષ્ટ્રવાદી સમર્પિત વિચારધારાને વારેલા નિષ્ઠાવાન કાર્યકર્તાથી લઈ ભાજપ પ્રદેશ અધ્યક્ષ તથા મુખ્યમંત્રી તરીકેની યશસ્વી વણથંભી સેવાયાત્રાને પ્રજા ચિરંતન હૃદયસ્થ રાખશે” તેમ જણાવી રાજુભાઇ ધ્રુવે લોકનેતા વિજયભાઈ રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. તેમનામાં કુશળ નેતૃત્વના ગુણો ઉપરાંત અને લોકહિતમાં ઝડપી નિર્ણય લેવાની અનોખી ક્ષમતા હતી. પ્રારંભના સમયમાં વિજયભાઇ રૂપાણીના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાન કાર્યકર્તા તરીકેના કાર્યકાળમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થી પરિષદના પ્રચારકનું કામ કર્યું હતું . પોતાની એક શિસ્તબધ્ધ સૈનિક તરીકે પ્રતિબધ્ધતા બતાવી.1975થી શરૂ થયેલી તેમના લોકસેવક તરીકે રાજકીય જીવનમાં પક્ષ દ્વારા જે દાયિત્વ સોંપવામાં આવ્યું તે તેમને નિષ્ઠાપૂર્વક નિભાવ્યું હતું. તેમને જિંદગીના આખરી શ્વાસ સુધી ભાજપનું વર્ચસ્વ વધે અને ભાજપને પ્રજાનો વિશ્વાસ જીતી ચૂંટણીમાં ભવ્ય સફળતા મળે તે પણ જોયું હતું.
વિજયભાઇ રૂપાણીએ સમગ્ર રાજકીય કારકિર્દી દરમ્યાન પોતાની પક્ષ પ્રત્યેની નિષ્ઠાને કદી આંચ આવવા દીધી નહીં અને પૂર્ણ નિષ્ઠાપૂર્વક એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે વર્ત્યા. પ્રદેશ ભાજપના મોવડી, મુખ્યમંત્રી તથા ત્યારબાદ રાષ્ટ્રીય નેતૃત્વે જ્યારે પંજાબ ભાજપની જવાબદારી સોંપી તે તેમણે છેલ્લી પળ સુધી યશસ્વીપણે નિભાવી એક આદર્શ કાર્યકર્તા તરીકેનું ઉત્તમ ઉદાહરણ પાડ્યું છે આવા સહુના આદરણીય વિજયભાઈ રૂપાણીને રાજુભાઇ ધ્રુવે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી અને તેઓના પરિવારજનોને અંત:કરણથી સાંત્વના પાઠવી હતી.