માત્ર AC ઓફિસમાં બેસી અને બીલો પાસ કરીને વહીવટ કરનારા શાસકોએ સ્થળ તપાસ કરી પગલા લેવા જોઈએ
ખાસ-ખબર ન્યૂઝ ઓખા
- Advertisement -
ઓખા નગરપાલિકામાં વર્ષ દરમિયાન કરોડો રૂપિયાની ગ્રાન્ટનાં કામો થાય છે. આ કામો કેવા અને કેટલા મજબૂત અને કેટલા કાયદેસર થાય છે તેનો એક અહીં નમૂનો જોવા મળ્યો ! સુરજકરાડીના ઉદ્યોગ નગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાનો પ્રશ્નનાં નિકાલ માટે ઓખા નગરપાલિકાએ લાખો રૂપિયાના કોન્ટ્રાકટ આપી કેનાલો બનાવવાનું કામ ચોમાસું આવે તે પહેલા શરુ કર્યુ. પરંતુ આ કામો પાસ કરનાર ઇજનેર કદાચ વધારે હોશિયાર હોય એવું લાગે કારણ કે માત્ર થોડો વરસાદ પડવાથી ઉદ્યોગનગરમાં આવેલી કેનાલોનું પાણી હાઇવેની કેનાલમાં જવાને બદલે રોડની લગોલગ આવી ગયું. કેનાલનું પાણી ઉદ્યોગનગરમાં બનાવેલી પાણી નિકાલની કેનાલમાં આવી રહ્યું છે !!! એટલે કે ઉદ્યોગનગરમાં જ્યાં નગરપાલિકાએ કેનાલો બનાવેલી છે તેનું વોટર લેવલ નીચું છે અને હાઇવે લગોલગ બનાવેલી કેનાલનું વોટર લેવલ ઊંચું છે એટલે આ લાખો રૂપિયાની ઉદ્યોગનગર આંબેડકર સોસાયટી આ તમામ કેનાલો બનાવેલી છે.
તેનું પાણી ભવિષ્યમાં હાઈવે રોડ ઉપર નિકાલ થાય તેવી કોઈ શક્યતા તો ઠીક પણ અસંભવ જ છે. એટલે માત્ર એસી ઓફિસમાં બેસી અને બીલો પાસ કરીને વહીવટ કરનારા શાસકો પ્રશાસકોએ સ્થળ તપાસ કરીને કામ આપવું કે કરવું જોઈએ તેવું ઓખા નગર પાલિકાનાં નગરજનો ઈચ્છી રહ્યા છે. અહીં બીજો પ્રશ્ર્ન એ છે કે નિચાણવાળા વિસ્તારનું પાણી ઉંચાણવાળા વિસ્તારમાં ન જ જાય તે કુદરતી નિયમથી શું ઓખા નગર પાલિકાનાં ઈજનેરો અજાણ હશે ? કે પછી માત્ર ગ્રાન્ટ વપરાવવા અને કોન્ટ્રાક્ટરોને સાચવવા આવા કુદરતી નિયમથી વિરુદ્ધનાં વિકાસ કાર્યો થતાં હશે એવું પ્રજા વિચારી રહી છે.