ગઈકાલે ગણપતિ મહોત્સવનો ગાજતે-વાજતે શુભારંભ થયો
દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે બાપ્પાની મહાઆરતી થશે
ખાસ-ખબર સંવાદદાતા
ગઈકાલે આખું રાજકોટ ગણપતિ બાપ્પા મોર્યાના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. રાજકોટની વિવિધ સંસ્થાઓ દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે ત્રિકોણબાગ કા રાજા, રાજકોટ કા મહારાજા અને સર્વેશ્ર્વર ચેરિ. ટ્રસ્ટ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવમાં ધૂમધામથી શંખનાદ સાથે મહાઆરતી કરવામાં આવી હતી. શાસ્ત્રોક્ત વિધિથી બાપ્પાની આરતી કરવામાં આવી હતી.
છેલ્લાં 21 વર્ષથી શહેરના ધર્મજ્ઞ ભાવિકોનું હંમેશા આકર્ષણ અને આસ્થા રહી છે એવા રાજકોટના ત્રિકોણબાગ કા રાજા 22માં ગણપતિ મહોત્સવનો શહેરની મધ્યમાં ત્રિકોણબાગ ચોક ખાતે ગઈકાલે ગણપતિ દેવની શાસ્ત્રોક્ત પૂજા અને મહાઆરતીના શંખનાદ સાથે મંગલ પ્રારંભ થયો છે. મંગલમૂર્તિ મહોત્સવના પ્રથમ દિવસે શહેરના ભૂદેવોની શાસ્ત્રોક્ત મૂર્તિપૂજામાં શહેરના વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીજનોએ ભાગ લીધો હતો. આજે શહેરના રાત્રે 8-30 વાગ્યાથી ચંદ્રેશ ગઢવી, અજયભાઈ દેસાણી અને સાથી કલાકારોનો હાસ્ય દરબાર યોજાશે જેમાં શ્રોતાઓને મોડી રાત સુધી પેટ પકડીને હસાવશે. આવતીકાલ રવિવારે સવારે 10-30 વાગ્યે શહેરના નિ:સહાય ગરીબ દર્દીઓના લાભાર્થે ગણપતિ મહોત્સવના પ્રાંગણમાં મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
ભૂદેવ સેવા સમિતિના પ્રમુખ તેજસ ત્રિવેદી જણાવે છે કે આ વર્ષે એટલે કે સતત બારમા વર્ષે ભૂદેવ સેવા સમિતિ દ્વારા શહેરના હાર્દસમા ડો. યાજ્ઞિક રોડ, જાગનાથ પોલીસ ચોકી પાસે ‘રાજકોટ કા મહારાજા’નું વાજતેગાજતે અબીલ, ગુલાલ, કંકુ સાથે ભવ્ય સામૈયા દ્વારા સાંજે 5-00 વાગ્યે પુજાવિધિ વિધિ-વિધાન સાથે પ્રખર શાસ્ત્રી જયભાઈ ત્રિવેદી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ભક્તિસભર ગીત-સંગીત, ઢોલ નગારા તથા ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે ભક્તિભાવ સભર સ્થાપના કરવામાં આવેલ હતી. આજના પ્રથમ દિવસે ‘રાજકોટ કા મહારાજા’ની મહાઆરતીમાં બ્રહ્મ સમાજના અગ્રણી તથા માર્ગદર્શક, શુભેચ્છક નીતિનભાઈ ભારદ્વાજ, વંદનાબેન ભારદ્વાજ તેમજ યુવા એડવોકેટ અંશભાઈ ભારદ્વાજ અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત વગેરે ઉપસ્થિત રહી ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા ભૂદેવ સેવા સમિતિના સંસ્થાપક તેજસભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ નિશાંત રાવલ, વિશાલ આહ્યા, નીરજ ભટ્ટ સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
સર્વેશ્ર્વર ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત ગણપતિ મહોત્સવમાં ધામધુમપૂર્વક સ્થાપના કર્યા બાદ શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરવામાં આવેલ. ગઈકાલે સાંજે પ્રથમ મહાઆરતી કરવામાં આવેલ, જેમાં પ્રથમ દિવસે સામાજિક અગ્રણી મહેશભાઈ રાજપૂત પરિવાર તથા જયેશભાઈ કોઠારી પરિવાર, દિપકભાઈ કારીયા સહપરિવાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સુંદર સુશોભીત સર્વેશ્ર્વર ગણપતિ મહોત્સવના પંડાલમાં ગણપતિજીનો અલૌકિક શણગાર, હીરા-મોતી, ડાયમંડ જડીત કરવામાં આવેલ છે સાથે કોવિડ ગાઈડ લાઈન મુજબ જ આયોજકે દરેક દર્શનાર્થીઓએ માસ્ક પહેરીને પંડાલમાં જવું તે રીતે જ સર્વે ભાવિકોએ નિયમ મુજબ દર્શનનો લાભ લીધો હતો.