ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર સિક્યુરીટી એન્ડ સર્વેલન્સ એસોશિએશન (જજજઅ) દ્વારા શનિવાર, તા. 31-05-2025ના રોજ એક ભવ્ય અને પ્રેરણાદાયી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એસોસીએશનના 550થી વધુ સભ્યોના ધોરણ 1 થી 12 ના બાળકોને તેમના શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માનિત કરવાનો હતો. આ સમારોહ શિક્ષણના મહત્વને ઉજાગર કરવા અને બાળકોમાં પ્રેરણા જગાવવા માટે એક અગત્યનું પગલું હતું.
- Advertisement -
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દિલ્લી પબ્લિક સ્કૂલના આદરણીય પ્રિન્સિપાલ શ્રી રાજીવ રંજન અને પ્રખ્યાત ડો. ચગ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રાજીવ રંજને બાળકોને શિક્ષણની સાથે સાથે સમયનું સંચાલન, ધ્યેય નિર્ધારણ અને આત્મવિશ્વાસનું મહત્વ સમજાવ્યું. ડો. ચગે પોતાના પ્રેરણાદાયી ઉદ્બોધનમાં બાળકોને જીવનમાં નૈતિક મૂલ્યો અને સતત શીખવાની ભાવના અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમના અમૂલ્ય માર્ગદર્શનથી બાળકો અને તેમના પરિવારજનોમાં નવું જોમ અને ઉત્સાહ જોવા મળ્યું.આ સમારોહની વિશેષતા એ હતી કે, જજજઅ દ્વારા બાળકોની સર્જનાત્મક પ્રતિભા અને કૌશલ્યને ઉજાગર કરવા માટે ઓપન સ્ટેજ પર્ફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંચ પર બાળકોએ નૃત્ય, ગાયન, વકતૃત્વ તથા અન્ય કલાત્મક પ્રસ્તુતિઓ રજૂ કરી, જેની ઉપસ્થિત દર્શકોએ ખૂબ પ્રશંસા કરી. આ પ્રકારના આયોજનથી બાળકોનો આત્મવિશ્વાસ વધ્યો અને તેમની અંદર છુપાયેલી પ્રતિભા બહાર આવી. આ ઉપરાંત, એસોસીએશનના સભ્યોના પરિવારના તમામ બાળકોને ભેટ-સોગાદો આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું. આ ભેટો બાળકો માટે પ્રોત્સાહનનું પ્રતીક બની, જેણે તેમના ચહેરા પર આનંદ અને ઉત્સાહની લાગણી ઉભી કરી. આ સમારોહે બાળકોની સાથે સાથે તેમના માતા-પિતા અને પરિવારજનોમાં પણ ગૌરવની લાગણી જન્માવી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જજજઅ કમિટી ના શ્રી હરિકૃષ્ણ દલ, શ્રી ધર્મેશ ગાઠાણી અને શ્રી હિતેશ વાંદરાની આગેવાની હેઠળ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું. કમિટીના સભ્યો એ કાર્યક્રમની સફળતા માટે અથાક પ્રયાસો કર્યા, જેના કારણે આ સમારોહ એક યાદગાર અનુભવ બની રહ્યો. સૌરાષ્ટ્ર સિક્યુરીટી એન્ડ સર્વેલન્સ એસોશિએશનના મંત્રી શ્રી પ્રીતેનભાઈ પીઠડીયાએ જણાવ્યું કે, આવા કાર્યક્રમો દ્વારા અમારો ઉદ્દેશ બાળકોને શિક્ષણ અને પ્રતિભા વિકાસ માટે પ્રોત્સાહન આપવાનો છે. અમે ઇચ્છીએ છીએ કે અમારા સભ્યોના બાળકો શિક્ષણ, કલા અને અન્ય ક્ષેત્રોમાં આગળ વધે અને દેશનું નામ રોશન કરે. તેમણે વધુમાં ઉમેર્યું કે, જજજઅ ભવિષ્યમાં પણ આવા સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવા માટે કટિબદ્ધ છે.