ગેરકાયદે દુકાનો બનાવી વેચાણ આપી દીધી હોવાથી દુકાનદારોને નોટિસ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
ધ્રાંગધ્રા – સુરેન્દ્રનગર રોડ પર આવેલા રાજસીતાપુર ગામે પાંચ પૂરની દરગાહ સામે સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી દુકાનો ઉભી કર્યા બાદ બરોબર દુકાનો વેચાણ આપી દીધી હોવા અંગેની રજૂઆતને લીધે ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી હર્ષદીપભાઈ આચાર્ય દ્વારા તાત્કાલિક ધ્રાંગધ્રા મામલતદારને નોટિસ આપવા માટે આદેશ કર્યો હતો આ તરફ ધ્રાંગધ્રા મામલતદાર વિભાગ દ્વારા ગેરકાયદે ઊભી કરાયેલ દુકાનોના કબજેદારોને નોટિસ પાઠવી હતી અને સાત દિવસના જમીન અંગેના પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું જોકે રેકર્ડ ઉપર સરકારી જમીન હોવાથી હજુસુધી કોઈ પુરાવા પ્રાંત અધિકારી સમક્ષ રજૂ થયા નથી પરંતુ જો જમીનના દસ્તાવેજી પુરાવા રજૂ નહીં કરે તો આ દુકાનોનું બાંધકામ ગેરકાયદેસર હોવાનું ગણાવી પ્રાંત અધિકારી દ્વારા બાંધકામ પર ટીડી પાડવાનો પણ નોટીસમાં ઉલ્લેખ હોવાના લીધે હવે દુકાનદારો દ્વારા બાંધકામ ઉભુ કરી બરોબર દુકાનો વેચી મારનાર રાજસીતાપુર ગામના ભૂમાફિયાને કોઈ રસ્તો કાઢવા માટે જણાવ્યું હતું આ તરફ જમીન પર કબ્જો કરનાર ભૂમાફિયા દ્વારા પણ બાંધકામ પર બુલડોઝર ફરે નહીં તે માટે ધમપછાડા કરી દોડધામ શરૂ કરી છે.