સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
ઓ હ્રદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને ?
જે નથી મારાં બન્યાં, એનો બનાવ્યો છે મને !
- Advertisement -
સાથ આપો ક્એ ન આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને.
સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો,
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.
મારા દુ:ખના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને.
- Advertisement -
હોત દરિયો તો હું તરવાનીય તક પામી શકત,
શું કરું કે ઝાંઝાવાંઓએ ડુબાવ્યો છે મને.
કાંઇ નહોતું એ છતાં સૌઉ મને લૂંટી ગયા,
કાંઇ નહોતું એટલે મેં પણ લૂંટાવ્યો છે મને.
એ બધાંનાં નામ દઇ મારે નથી થાવું ખરાબ,
સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને.
તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લઇ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.
છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.
આમ તો હાલત અમારા બેયની સરખી જ છે,
મેં ગુમાવ્યાં એમ એણે પણ ગુમાવ્યો છે મને.
આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે,
ભાર માથા પર મૂક્યો છે ને નમાવ્યો છે મને.
સાકી, જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહિ,
એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને.
આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત,
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને.
આ બધા ‘બેફામ’ જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.
– ‘બેફામ’ , બરકત વીરાણી
બેફામ સાહેબની કવિતામાં શેની વાત થાય છે? એક જ શબ્દમાં કહીએ તો ઉપેક્ષા! કૃષ્ણ હોય મેં બુદ્ધ, વિન્સેન્ટ વાન ગોગ હોય કે ઈસુ ખ્રિસ્ત, બુદ્ધ હોય કે મીરાબાઈ. બધા મહાત્મા કે અવતારોના જીવનમાં એક જ વાત કોમન છે કે જીવનપર્યંત આ બધાને સમાજે ઘણી ખરીખોટી સંભળાવી. આ બાબતમાં ગાલિબનો ઉપરોક્ત શેર એકદમ ચોટદાર છે. ગાલિબ કહે છે કે હું માનું છું કે તમે ઉપેક્ષા ના કરો પણ તમને ખબર પડશે ત્યાં સુધીમાં તો હું રાખમાં મળી જઈશ. પ્રેમની રીતે કહો કે બીજી કોઈ રીતે આ વાત સો ટકા સાચી લાગે છે. ઘણીવાર સાચા માણસોની કદર થાય છે પણ મોડે મોડે. પ્રિયતમા (કે પ્રિયતમ)-ને ખબર પડે ત્યાં સુધીમાં તો પ્રેમની માત્ર રાખ રહી હોય તો તેનો મતલબ શું? આપણી કહેવત પણ છે. સારા શબ્દોમાં કહીએ તો ‘વિધવા કે વિધુર થયા પછી ડહાપણ આવવું’ માણસો એ આશાએ જીવતા હોય છે કે એક દિવસ એમના કામ (પ્રેમ ની) કદર થશે અને એ જ દિવસની રાહ જોવામાં એમની જિંદગી પૂરી થઈ જાય છે. ધારો કે, પછી કદર થઈ જાય તોપણ ત્યાં સુધી વેઠવી પડેલી મુશ્કેલીઓ, યાતનાઓ, અવગણનાઓનું શું! એ તો માપી શકાય નહીં. એ તો માત્ર દિલમાં ઊંડા ઘા છોડી જાય છે. બધા દુ:ખ બધાને કહેવાય એવા હોતા નથી. માણસો કોઈના મર્યા પછી કબર પર દીવા કરે છે તેના કરતાં જીવતા જીવત જ તે પ્રેમ લગાવ કે સન્માન આપ્યા હોત તો! પણ ત્યારે તો તે માણસની આપણને કેટલી જરૂર છે તે સ્વીકારવાની કે કહેવાની આપણી હિંમત થાતી નથી. આપણે સ્વીકારી શકતા નથી કે સામેવાળો આપણા કરતાં વધુ સમજદાર, પ્રતિભાશાળી કે ઉદાર છે. પ્રેમિકાને ખબર નથી પડતી કે આના કરતા કોઈ મને વધારે પ્રેમ નહીં કરે આ દુનિયામાં, ત્યારે કે જ્યારે તેનો પ્રિયતમ જીવતો હોય. બધા માણસો તેટલા ધીરજવાન નથી હોતા અને જ્યારે અપેક્ષાનો ફુગ્ગો ફૂટે ત્યારે માણસ કઈપણ વિચારવાની શક્તિ ગુમાવી બેસે છે.
પૂર્ણાહુતિ:
કોઈપણ વસ્તુને કોઈ માણસથી છુપાવવી હોય તો તેની બે આંખોની વચ્ચે મૂકી દો, તે તેને જોઈ નહીં શકે
– ઈજીપ્તની એક કહેવત