ન્યુ રેસકોર્સ નજીકની જમીન ઉબડ-ખાબડ અને પોલાણવાળી હોય સમથળ કરવામાં ખાસ્સો સમય લાગી શકે તેમ હોય મેળાનું સ્થળાંતર અશકય : માર્ગ-મકાન વિભાગ દ્વારા સર્વે કામગીરી પૂર્ણ : ટુંક સમયમાં કલેકટરને રિપોર્ટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ કલેકટર તંત્ર અને લોકમેળા સમિતિ દ્વરા આયોજિત કરાતો જન્માષ્ટમીનો લોકમેળો ચાલુ વર્ષે શહેરના નવા રીંગ રોડ અટલ સરોવર પાસે યોજાવાની શકયતા હવે નહીંવત બની છે.
લોકમેળાનું સ્થળ બદલવા માટે નવા રીંગ રોડ પર અટલ સરોવર પાસેની જમીનનો સર્વે કરવા માટે કલેકટર તંત્ર દ્વારા માર્ગ-મકાન વિભાગને આદેશ અપાયો હતો. માર્ગ, મકાન વિભાગ દ્વારા આ અંગેનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવેલ છે અને ટુંક સમયમાં આ અંગેનો રીપોર્ટ પણ કલેકટર પ્રભવ જોશીને સુપ્રત કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે વર્ષોથી શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજિત કરાતો જન્માષ્ટમીનો લોકમેળો સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિના દર્શન કરાવી રહ્યો છે. પ્રતિ વર્ષે લાખોની જનમેદની આ લોકમેળાને મહાલવાનો લાભ લે છે.
પરંતુ લોકમેળાનું સ્થળ નાનુ પડતું હોય લોકમેળાનું સ્થળ બદલવા માટે રાજકોટ કલેકટર કચેરી ખાતે જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહ દ્વારા માંગણી મુકાતા લોકમેળાનું સ્થળ બદલવા માટે ગંભીરતાપૂર્વક વિચારણા શરૂૂ કરવામાં આવી હતી. આ બાબતે કલેકટર પ્રભવ જોશી દ્વારા લોકમેળા માટે નવા સ્થળની પસંદગી કરવા માટે અગાઉ સીટી પ્રાંત-1 અધિકારીને પણ જવાબદારી સોંપી સર્વે કરાવવામાં આવેલ હતા. ત્યારબાદ ન્યુ રેસકોર્સમાં અટલ સરોવર પાસે આ લોકમેળો યોજવા માટે વિચારણા કરી આ અંગે માર્ગ-મકાન વિભાગનો સર્વે કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી.
દરમિયાન આ અંગે કલેકટર કચેરીના સુત્રોએ જણાવ્યું હતું કે માર્ગ-મકાન વિભાગ દ્વારા આ સર્વે કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી. ન્યુ રેસકોર્સ અટલ સરોવર પાસેની જમીન ઉબડ ખાબડવાળી અને પોલાણવાળી છે અને તેને સમતોલ કરવામાં જ ખાસ્સો સમય વ્યતિત થાય તેમ હોય, ચાલુ વર્ષે આ લોકમેળો હવે અટલ સરોવર પાસે યોજાઇ શકે તેમ નથી જેથી લોકમેળાનું સ્થળ ચાલુ વર્ષે બદલાવાની શકયતા નહીંવત છે. માર્ગ મકાન વિભાગ દ્વારા કરાયેલા સર્વેનો રીપોર્ટ બે-ત્રણ દિવસમાં જ કલેકટરને સુપ્રત કરવામાં આવનાર છે.



