રેલમંત્રી અશ્ર્વિની વૈષ્ણવની લોકસભામાં ચર્ચા દરમિયાન મોટી જાહેરાત : વિપક્ષના શોર વચ્ચે રેલમંત્રીએ ભારતને ઉભરતો રેલ કોચ નિકાસકાર દેશ કહ્યો : રેલ્વે પૂરી રીતે આત્મનિર્ભર, પોતાનો ખર્ચ પોતાની આવકથી કાઢે છે, આવક પણ વધી છે : વૈષ્ણવ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.19
- Advertisement -
રેલ્વે સ્ટેશને અને ટ્રેનોમાં ભીડના નિયંત્રણને લઇને મોટા પગલા ભરવાની તૈયારી રેલ્વે તંત્ર છે ત્યારે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ટ્રેનોમાં જેટલી સીટો ઉપલબ્ધ હશે લગભગ એટલી જ ટીકીટો વેચવામાં આવશે. ટ્રેનોને સમયસર ચલાવવાને પ્રાથમિકતા અપાશે.
રેલ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રેલવે સ્ટેશનોના સ્ટાફ માટે નવી ડિઝાઇનના કાર્ડ અને યુનિફોર્મ બનાવવામાં આવી રહ્યા છે. રેલ્વેનો એ પણ પ્રયાસ છે કે ટ્રેનોમાં જેટલી સીટો ઉપલબ્ધ હશે લગભગ એટલી જ ટિકિટો આપવામાં આવે છે. સ્ટેશન ડાયરેકટરનું નવું પદ પણ બનાવાયું છે.
રેલ મંત્રી રેલ્વેની ગ્રાન્ટ(અનુદાન) માંગ પર લોકસભામાં વિચાર બાદ સરકાર તરફથી જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન પૂરો સમય કોંગ્રેસ સહિત વિપક્ષી સભ્યો ઉભા થઇને હંગામો કરી રહ્યા હતા. તેઓ મહાકુંભ પર વડાપ્રધાન મોદીના વકતવ્યમાં દિલ્હી સ્ટેશનની ભાગદોડની ચર્ચા ન હોવા મામલે વિરોધ કરી રહ્યા હતા. વિપક્ષના શોરગુલ વચ્ચે રેલ મંત્રીએ પોતાનો જવાબ આપવાનું ચાલુ રાખ્યું હતું અને ભારતને ઉભરતું કોચ નિકાસકાર બતાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સાઉદી અરબ અને ફ્રાન્સ સહિત અનેક દેશોમાં ટ્રેનોના કોચ અને ઉપકરણોની નિકાસ કરવામાં આવી રહી છે. બિહારના મઢોરા સ્થિત રેલ કારખાનામાં તૈયાર થતા લોકોમેટીવ (ટ્રેનનું એન્જિન) ટુંક સમયમાં અનેક દેશોમાં નિકાસ કરવામાં આવશે. ભારતમાં બનેલો મેટ્રો કોચ ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવી રહ્યા છે.
ટુંક સમયમાં તામિલનાડુમાં બનનારા ટ્રેનના વ્હીલની પણ નિકાસ કરવામાં આવશે. ટ્રેન મોડી ચાલવાના વિપક્ષી સભ્યોની ચિંતાને પણ રેલ મંત્રીએ ધ્યાનમાં લીધી હતી અને ટાઇમટેબલના પાલનને જરૂરી બતાવ્યું હતું તેમણે કહ્યું હતું કે રેલવેના કુલ 68 ડિવિઝનમાંથી 49માં 80 ટકા સુધી ટાઇમ સુધારી લેવામાં આવ્યો છે. જયારે 12 ડિવિઝન એવા છે. જયાં 95 ટકા મામલામાં ટ્રેન મોડી નથી થતી. અમારો પ્રયાસ તેમાં સુધારો લાવવાનો છે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં 13 હજારથી વધુ યાત્રી ટ્રેનો ચાલી રહી છે. તેમાં મેલ અને એકસપ્રેસ 4111, પેસેન્જર 3313 અને ઉપનગરીય 5774 ટ્રેનો છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કોરોના મહામારી બાદ હવે રેલ્વે પોતાનો ખર્ચો પોતાની જ આવકથી ઉઠાવે છે. ધીરે ધીરે તેમાં મજબુતી આવી રહી છે. આવક વધી રહી છે તેમણે જણાવ્યું હતું કે 10 વર્ષમાં 34 હજાર કિલોમીટરના રેલ્વે ટ્રેક બન્યા છે અને 40 હજાર કિલોમીટર પાટાઓ રીપેર થયા છે.
દેશમાં 12 હજાર ફલાયઓવર અને અન્ડર પાસ બનાવાયા છે. દર વર્ષે 1400 લોકોમેટિવ (એન્જિન) બનાવવામાં આવી રહ્યા છે જે અમેરિકા અને યુરોપની કુલ જોડથી વધુ છે.