રોગચાળો અટકાવવા પોરાનાશક અને ફોગિંગની કામગીરી હાથ ધરાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેંગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે રોગચાળા દ્વારા ઉભા થતાં જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા. 10થી તા. 16-3 દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 15925 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલી છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 755 ઘરોમાં ફોગિંગ કામગીરી કરેલી છે.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેન ફોગિંગ મશીન ફોગિંગ કામગીરી કરવામાં આવે છે તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગિંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલી છે. ડેંગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોમર્શિયલ કોમ્પલેક્સ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પત્તિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલી છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 180 પ્રિમાઈસીસમાં મચ્છર ઉત્પત્તિ સબબ તપાસ કરવામાં આવેલી છે જેમાં મચ્છર ઉત્પત્તિ સબબ રહેણાંકમાં 73 અને કોમર્શિયલ 21 આસામીઓને નોટીસ આપવામાં આવી છે. તા. 1-1-2025થી શરદી-ઉધરસ સહિતના અન્ય કેસો નોંધાયા છે જેમાં શરદી-ઉધરસના કેસ 9570, સામાન્ય તાવના કેસ 8100, ઝાડા-ઉલટીના કેસ 1799, ટાઈફોઈડ તાવના કેસ 23, કમળો તાવના 12 કેસ નોંધાયા છે.