આપણે આ ત્રણ શબ્દો વચ્ચેના ભેદને જાણતા નથી : સગવડ, સુખ અને આનંદ. આપણે માનીએ છીએ કે સગવડના પેટમાંથી સુખ જન્મે છે અને સુખની કૂખમાંથી આનંદ પેદા થાય છે. પરિણામે જીવનનો આનંદ માણવા માટે આપણે સગવડો ઉત્પન્ન કરતા રહીએ છીએ. જરૂર કરતાં વધારે વસ્ત્રો, બુટ-ચંપલ, ધન અને નાની મોટી અસંખ્ય ચીજો. આપણે હિન્દુઓ તો અનાજ, તેલ અને મસાલા પણ આખા વર્ષના એકઠા કરી દઈએ છીએ. સગવડ માટે આ બધું ઠીક છે પરંતુ તેમાંથી સુખ મળશે એવી કોઈ ખાતરી નથી. કીડીઓ લોભવશ દાણાનો સંગ્રહ કરે છે જે મોટાભાગે ચકલી અને કબૂતરના ખપમાં આવે છે. મધમાખીઓ હજારો ફૂલો ઉપર બેસીને, એમનો રસ ચૂસીને મધ એકઠું કરે છે જે બહુધા મનુષ્યો પડાવી લે છે.
આવું જ આપણા સંગ્રહનું હોય છે. જે ચીજ વસ્તુઓ અને ધન અવિનાશી નથી, જે આપણને શાશ્વત સુખ આપવાના નથી તેને ભેગું કરવામાં આપણે આખું જીવન ખર્ચી નાખીએ છીએ. જે જ્ઞાનરૂપી ધન આપણને પરમાત્મા સુધી લઈ જશે, જે સુખ અંતિમ સત્ય છે અને અવિનાશી છે તે પ્રાપ્ત કરવામાં આપણે જરા પણ રસ દાખવતા નથી, માટે જીવનભર એંઠા કરેલા સંસાધનો અને દ્રવ્ય જે આપણે મૃત્યુ સમયે પૃથ્વી પર મૂકીને જવાના છીએ એ આપણને કાયમી સુખ આપી શકતા નથી. સગવડ વસ્તુમાંથી મળે છે, સુખ એ શરીર અને મનની સુવિધામાંથી પ્રાપ્ત થાય છે પણ આનંદ એ ચિત્તની અવસ્થા છે અને સદાકાળ માટેનો આનંદ એ આત્માનું સાચું સ્વરૂપ છે.