RTE હેઠળ 3603 વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગની મોટી સહાય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન (RTE) યોજનાને અનુકૂળ રાખીને પોરબંદર જિલ્લાના 96 ખાનગી સ્કૂલોને 4.10 કરોડ રૂપિયા ફી પેટે ચૂકવવામાં આવ્યા છે. આ રકમ વર્ષ 2024-25 માટે આરટીઇ હેઠળ દાખલ 3603 વિદ્યાર્થીઓ માટે ચુકવવામાં આવી છે, જેથી જરૂરિયાતમંદ બાળકો પ્રાઈવેટ શાળામાં પણ વિના મૂલ્યે અભ્યાસ કરી શકે. આરટીઇ (રાઈટ ટુ એજ્યુકેશન) યોજના હેઠળ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા દર વર્ષે ધોરણ 1માં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન હોય છે અને વિદ્યાર્થીઓને શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. આ વર્ષે પોરબંદર જિલ્લામાં 96 ખાનગી શાળાઓમાં 3603 વિદ્યાર્થીઓ આરટીઇ અંતર્ગત દાખલ થયા છે, જેમની ફી સરકાર દ્વારા ચુકવવામાં આવી છે. ખાનગી શાળાઓને ફી ચૂકવવા માટે સરકાર પ્રથમ અને બીજા સત્રની મર્યાદા નક્કી કરે છે. 2024-25 માટે પ્રથમ સત્ર માટે 6,838 રૂપિયા અને બીજા સત્ર માટે 6,837 રૂપિયા પ્રતિ વિદ્યાર્થીની ફી ચૂકવવામાં આવી છે.
- Advertisement -
શ્રેષ્ટ શિક્ષણ માટે રાજ્ય સરકારના મહત્વના પગલાં
રાજ્ય સરકાર વર્ષ 2001થી આરટીઇ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા અને પછાત વર્ગના બાળકોને પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે આ યોજના ચલાવી રહી છે. દર વર્ષે, સરકાર તમામ જિલ્લામાં ખાનગી શાળાઓમાં દાખલ થયેલા વિદ્યાર્થીઓની ફી ચૂકવે છે, જેથી સમાજના નબળા વર્ગના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી શકે.