ડુપ્લિકેટ મતદાર ઓળખકાર્ડ ત્રણ માસમાં હટાવાશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17
ચૂંટણી પંચે દેશમાં ચૂંટણીમાં પારદર્શિતા અને નિષ્પક્ષતા વધારવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. પંચે ડુપ્લિકેટ EPIC (મતદાર ફોટો ઓળખ પત્ર) નંબરોની સમસ્યાને દૂર કરવા માટે 3 મહિનાની સમય મર્યાદા નક્કી કરી છે.
આ પહેલનો ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતાની ખાતરી કરવા અને દરેક મતદારો પાસે ફક્ત એક માન્ય ઓળખ હોવાની ખાતરી કરવાનો છે. તેનાથી ભારતના મતદરાનો ડેટાબેસ વધારે સટીક અને વિશ્વસનીય બની જશે. સાથે જ આધાર કાર્ડની માફક હવે વોટરને વોટિંગ કાર્ડનો પણ યૂનિક કાર્ડ નંબર આપવામાં આવશે.
ભારતનો મતદાર યાદી ડેટાબેઝ વિશ્વનો સૌથી મોટો ડેટાબેઝ માનવામાં આવે છે, જેમાં 99 કરોડથી વધુ નોંધાયેલા મતદારો છે. તે નિયમિતપણે અપડેટ કરવામાં આવે છે. ચૂંટણી પંચે શોધી કાઢ્યું છે કે કેટલાક મતદારોને ભૂલથી ડુપ્લિકેટ EPIC નંબર આપવામાં આવ્યા છે. આ સમસ્યા 2000 માં EPIC શ્રેણી લાગુ થયા પછી શરૂ થઈ, જ્યારે કેટલાક ચૂંટણી નોંધણી અધિકારીઓ (EPIC ) એ યોગ્ય શ્રેણીનો ઉપયોગ કર્યો ન હતો. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ મતદાર યાદી ડેટાબેઝનું સ્વતંત્ર રીતે સંચાલન કર્યું, જેના કારણે આ ભૂલ ધ્યાન બહાર રહી ગઈ.
જોકે, ચૂંટણી પંચે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે. તાજેતરના એક તપાસમાં જાણવા મળ્યું છે કે, ડુપ્લિકેટ EPIC નંબર ધરાવતા 100 થી વધુ મતદારો ખરેખર કાયદેસર મતદારો છે.
જોકે, આ સમસ્યાએ ચૂંટણી પ્રણાલીમાં સંભવિત વિસંગતતાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. કમિશને સ્પષ્ટતા કરી છે કે દરેક મતદારને ફક્ત તેમના નિયુક્ત મતદાન મથક પર જ મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે, જેથી ચૂંટણી પ્રક્રિયાની ન્યાયીતાને અસર ન થાય.