ગીરમાં પ્રધાનમંત્રી સાથે સંવાદ કરનારા મહિલા કર્મીના પ્રતિભાવો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
નરેન્દ્રભાઈ મોદીએ સાસણ ગીરની મુલાકાત દરમિયાન ખાસ કરીને વન અને વન્યજીવોના સંરક્ષણ માટે ફિલ્ડમાં કામ કરતાં વન વિભાગના મહિલા વનપાલ, વન રક્ષક, બીટગાર્ડ અને ઇકો ગાઈડ સાથે પ્રેરક સંવાદ કર્યો હતો.
આ મહિલા કર્મયોગીઓ વડાપ્રધાન સાથે સંવાદ કરવાનો અવસર મળતા ગૌરવ અનુભવે છે અને વન અને વન્ય જીવ સૃષ્ટિના રક્ષણ સંવર્ધનની કામગીરીમાં પ્રેરણા સાથે બળ મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે આયોજિત આ ખાસ સંવાદ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સાથે વાતચીત કરવાની તક મળી હતી, તેવા કાસીયા નેશમાં ફરજ બજાવતા વન રક્ષક વંદનાબેન વાલવાણી કહે છે કે, વડાપ્રધાન સાથે સંવાદ કરવાથી વન અને વન્ય જીવના સંરક્ષણ માટે કામ કરવા પ્રત્યે વધુ પ્રોત્સાહન અને પ્રેરણા મળી છે, ભવિષ્યમાં પણ વન અને વન્યજીવનના સંરક્ષણ માટે સારી રીતે કામ કરવા માટે પ્રધાનમંત્રીએ ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપ્યું છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીની એશિયાઈ સિંહો માટેની લાગણી અને વન્યજીવો પ્રત્યેનો પ્રેમ આ સંવાદ દરમિયાન ઉજાગર થયો હતો. ઉપરાંત વન અને વન્યજીવનના સંરક્ષણ માટે પ્રધાનમંત્રીશ્રી અને વન વિભાગના કર્મચારીઓ કેટલી પ્રતિબદ્ધતા ધરાવે છે, તે તમામ વાતો કરી હતી. વંદનાબેન વાલવાણી પોતાને નસીબદાર માને છે કે, વૈશ્વિક નેતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાથે વાતચીત કરવાની તક મળી. આગામી દિવસોમાં વિશ્વ મહિલા દિવસ આવે છે તે સંદર્ભમાં તેમણે ખાસ મહિલાઓને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી, આગળ વધવા માટે નૂતન સંકલ્પ કરવા માટે અનુરોધ કર્યો હતો.
- Advertisement -
દેવળીયા સફારી પાર્કમાં ઇકો ગાઈડ તરીકે કાર્ય કરી રહેલા નમીરા બ્લોચ કહે છે, આ સંવાદમાં જંગલ બચાવવા માટે પ્રેરિત કર્યા હતા, તેમણે કહ્યું કે, અહીં આવતા પ્રવાસીઓ તમારી વાતને માને છે અને સપોર્ટ પણ કરે છે. ત્યારે આપના દ્વારા અપાયેલો સંદેશ ખૂબ મહત્વનો બની રહે છે.
જંગલ આપણા અને આવનારી પેઢી માટે ખૂબ જરૂરી છે, જંગલ થકી શુદ્ધ ઓક્સિજન મળી રહે છે સાથે જ બિમારીઓથી બચાવ થાય છે, ઉપરાંત ભાવિપેઢી જંગલ થકી સુખી થશે. તેમ જણાવતા પ્રધાનમંત્રીએ જંગલના રક્ષણ માટે આગવા પ્રયાસ કરવા પ્રેરણા પૂરી પાડી હતી. તેવા જ એક દેવળીયા સફારી પાર્કમાં ઇકો ગાઈડ તરીકે ફરજ બજાવતા અને વડાપ્રધાનના સંવાદમાં જોડાયેલા અર્ચનાબેન શેવરાએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીને પણ જંગલ વિસ્તારમાં વન અને વન્યજીવો સંરક્ષણ માટે કામ કરી રહેલી મહિલાઓ માટે ખૂબ ગર્વ છે.